E Rajmahal 2 - A Horror Story


એ રાજમહેલ ૨                

E Rajmahal 2 - a horror story



          કાળા વાદળો ઘેરાઈ ચૂક્યા હતા. પવન જોર-શોરથી ફૂંકાઈ રહ્યો હતો. સૂર્ય પણ આથમવાની તૈયારીમાં હતો. સમગ્ર આકાશ કેસરી રંગે રંગાઈ ગયું હતું. વાતાવરણમાં અણધાર્યો પલટો આવી રહ્યો હતો.
        આવાં સમયે એક નવપલ્લવિત પ્રેમીઓનું જોડું કાર લઈને રામાપટ્ટીના રસ્તે આગળ વધી રહ્યું હતું. કારમાં સોફ્ટ સાઝ વાળા ગીતો વાગતા હતા. કારમાં બેઠેલી નિત્યા આજુબાજુના વાતાવરણનો આનંદ માણતી હતી.
“ રવિ, આપણે રામાપટ્ટી પહોચતા હજી કેટલી વાર લાગશે?” નિત્યાએ ઘડિયાળમાં સમય જોતાં પૂછ્યું
“ ખબર નહીં. હું પણ જો ને આ મેપના આધારે ગાડી ચલાવું છું. ક્યારના બતાવે છે કે અડધો કલાકનો રસ્તો છે, પણ દોઢ કલાક ઉપર થઈ ગયો. હજી સુધી રામાપટ્ટી આવ્યું નથી.”
“ સારું છે.”
“ શું ધૂળ સારું છે?” રવિ છંછેડાતા બોલ્યો
“ અરે એમ નહીં બુદ્ધૂ , બહાર જો હમણાં વરસાદ આવવાની તૈયારી છે... બહુ મજા પડશે.. લોંગ ડ્રાઈવ ઇન રેન!!” નિત્યએ વિન્ડોની બહારનું વાતાવરણ દેખાડતા બોલી
“ અરે હા યાર. આ તો સોને પે સુહાગા જેવુ થયું, નહીં!” રવિ પણ આનંદિત થઈ ગયો
        બહાર ઝરમર ઝરમર વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો હતો. કારની અંદર પણ મોસમને તરબતર કરી દે એવું ગીત વાગી રહ્યું હતું અને નિત્યા રવિની સામે શરારતી આંખે જોઈને ગીત ધીમે ધીમે ગણગણી રહી હતી, “ મહોબ્બત બરસા દેના તું, સાવન આયા હૈ... તેરે ઓર મેરે મિલને કા મૌસમ આયા હૈ! સબસે છુપાકે તુઝે સીને સે લગાના હૈ, પ્યાર મે તેરે હદ સે ગુજર જાના હૈ… ઇતના પ્યાર કિસી પે.......“ નિત્યા એની પંક્તિઓ પૂરી કરે એ પહેલા અચાનક જ રવિએ કારને બ્રેક મારી.
“ ઓહ શીટ..“ રવિએ નિસાસો નાખ્યો
“ શું થયું? કેમ બ્રેક મારી?” નિત્યાએ રવિને પૂછ્યું
“ એક સેકન્ડ, તું બેસ હું બહાર જોઈને આવું.” રવિ એમ કહીને ઝટ કારની બહાર નીકળ્યો
નિત્યા પણ રવિની પાછળ કારની બહાર નીકળી. “ શું થયું રવિ એ તો કેહ?”
“ અરે કોઈ મારી કારની સામે આવી ગયું હતું, અહિયાં જ, આ જ જગ્યાએ કોઈક ઊભુ હતું.” એ જગ્યા બતાવતા બોલ્યો, ” મે હોર્ન માર્યો પણ ના ખસ્યું, અને છેવટે બ્રેક મારી, એ કોઈ કાર સાથે અથડાયું કે શું થયું એ ખબર જ ના પડી.” રવિ ધૂંધવાતાં બોલ્યો
“ પણ અહિયાં તો કોઈ નથી... તને કોઈ ભ્રમ થયો હશે. ચલ પાછો બેસી જા. આમ પણ અંધારું થઈ ગયું છે અને ઉપરથી વરસતો આ વરસાદ, વહેલા ઘરે પહોચવું છે.” નિત્યાએ ઠાવકાઈથી કહ્યું
        રવિ અસમંજસમાં પડી ગયો. એ ત્યાં જ ઊભો ઊભો આજુબાજુ આશ્ચર્યથી જોવા માંડ્યો. આવું કેવી રીતે બને? એ ઊભો ઊભો વિચાર કરતો હતો અને પાછળ કોઇકે એના ખભે હાથ મૂકી ઢંઢોળ્યો. એ ડઘાઈ ગયો,
“ ચલ હવે, અહિયાં જ વિચારતો રહીશ કે શું?” એ હાથ નિત્યાનો હતો
“ હા.. ચલ” રવિ પાછું જોતાં જોતાં કારમાં બેઠો
        કારમાં બે જણા ફરી પાછા ગોઠવાઈ ગયા હતા. રવિએ સહેજ પાણી પીધું અને કાર સ્ટાર્ટ કરવા ચાવી ઘૂમાવી, પણ સ્ટાર્ટ ના થઈ. એને ફરી પ્રયત્ન કર્યો પણ કાર ચાલુ ના થઈ.
“ હવે કારને શું થયું? “ રવિ મનોમન બબડવા લાગ્યો
         વરસાદ પૂર જોશમાં વરસી રહ્યો હતો. એ ઊભો થઈને બહાર કાર ચેક કરવા ગયો. મોબાઇલની ટોર્ચના આધારે કારનું એન્જિન ચેક કર્યું. કઈક ગડમથલ કરી અને પાછો કારમાં બેઠો. ફરી એને કાર સ્ટાર્ટ કરવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ ગયો. કારની બહાર નીકળ્યો અને ગુસ્સામાં આગલા ટાયર પર લાત મારી. ક્યારની ચૂપ બેઠેલી નિત્યા બહાર આવી.
“ રવિ, હવે શું કરીશું?” નિત્યાએ ગભરામણ અનુભવતા પૂછ્યું
“ કઈ નઇ, આ વરસાદના બંધ થાય ત્યાં સુધી કારમાં જ બેસવું પડશે. અહી આજુબાજુમાં કોઈ દેખાતું પણ નથી કે જેમની મદદ માંગી શકાય.” રવિ નિસાસો નાખતા બોલ્યો
        રવિના બોલતાની સાથે જ આકાશમાં એક મોટો વીજળીનો કડાકો થયો. અને એ વીજળી-કડાકાના અજવાળામાં એમની જમણે જ એક મોટું અને જર્જરિત અવસ્થામાં પડેલ મહેલ નજરે ચડ્યો. બંને ની નજર ત્યાં ગઈ, અને પછી એકબીજાની સામે જોયું.
“ ના હો નિત્યા, આ વિચાર છોડી દે.“ રવિ નિત્યાની નજરને પારખી ચૂક્યો હતો
“ પણ ત્યાં જવામાં શું વાંધો છે, રવિ? હજી તારા દોસ્તને ત્યાં ફંક્શન કાલે છે, અને આ વરસાદ હમણાં જ રોકાઈ જશે. ત્યાર પછી અહિયાં થી નીકળી જઈશું.“ નિત્યા બોલી
“ જો નિત્યા દરવખતે હું તારી વાત માનું છું ને આજે મારી વાત માન, અને કારમાં બેસ.” રવિ બોલ્યો
“ જો રવિ, દર વખતે તું મારી વાત માને છે તો આજે પણ માન ને!” નિત્યાએ રવિને હાથ પકડીને કીધું, “ બસ આ વરસાદ બંધ ના થાય ત્યાં સુધી જ! પ્લીઝ...”
“ સારું ચલ.“ રવિ કચવાતા મને માન્યો
        રવિએ કારને લોક કરી. બેવ જણા મોબાઈલની ટોર્ચ ઑન કરી, એ મોટા જર્જરિત મહેલના ગેટ આગળ ઊભા રહી ગયા. રવિએ ગેટ પરની લાગેલી વર્ષો જૂની સાંકળ ખોલી. એવામાં જ બે વાદળો જોરથી અથડાયા, એ અથડામણનાં અવાજે વાતાવરણને ઓર ભયભીત બનાવી દીધું. બેવ જણા ફટાફટ ગેટ ખોલી અંદર ગયા, અને રાજમહેલનો મુખ્યદ્વાર ખોલ્યો. મહેલમાં અંદર પ્રવેશી મુખ્યદ્વાર બંધ કરતાં જ બહારનો અવાજ શાંત થઈ ગયો.
        મોબાઇલની ટોર્ચનાં અજવાળે એ લોકો મહેલમાં આગળ વધતાં હતા. બહારથી જર્જરિત થઈ ગયેલો જાણતો રાજમહેલ અંદરથી ભવ્ય અને સુંદર હતો, ટોર્ચના અજવાળાથી તો એની છત પણ ચમકી ઉઠતી હતી. રવિ મહેલની કોતરણીકામ જોતો હતો. નિત્યા ખૂબ રસપૂર્વક રાજમહેલની દીવાલોને જોઈ રહી હતી. દીવાલો પર એ જમાનાનાં ચિત્રો કંડારાયેલા હતા. આગળ ચાલતા ચાલતા નિત્યાનાં પગે એક સંદૂક અથડાઇ, એને ધીમે રહીને સંદૂક ઉઘાડી. એને સંદૂકની અંદરની વસ્તુઓ ફેંદી. એમાંથી એક વસ્તુ જોઈને નિત્યા ચમકી ઉઠી. એને રવિને બૂમ પાડી.
“ શું થયું નિત્યા?” રવિ હાંફળો ફાંફળો થઈને નિત્યા તરફ આવ્યો
“ આ જો. મને શું મળ્યું!” નિત્યાનાં હાથમાં એક જૂનાં જમાનાની ડાયરી હતી, જેના પર સંસ્કૃત ભાષામાં કઈક લખ્યું હતુ.
“ આ શું છે?” ડાયરી હાથમાં લઈને અમુક પાનાઓ ફેરવી જોયા, અને પાછી નિત્યાને આપી દીધી,” મને તો આમાં કઈ જ ખબર નથી પડતી.”
“ રવિ, આ કોઈ મામૂલી ડાયરી નથી. આમાં આજથી પાંચસો વર્ષ પૂર્વેનાં રાજા જલ્લિકોટ્ટમનાં શાહી ખજાનાની વાત લખેલી છે. પહેલાનાં જમાનામાં રાજા મહારાજાઓ આવી રીતે લેખિત હિસાબ રખાવતા. છેલ્લે પાને લખ્યું છે કે ‘આપતકાલીન સમય માટે, રાજમહેલનું ગુપ્ત ધન એક એવી જગ્યાએ મૂકેલું છે જ્યાં મારા સિવાય કોઈનો પણ પગ નથી પડતો. મુશ્કેલનાં સમયે પૂર્વમાં જોજો.” નિત્યાએ ભાષાનુવાદ કર્યું
“ એટલે કે અહી કોઈ ખજાનો છુપાયેલો છે એમ! પણ શું ખબર કોઈએ લૂટી લીધો પણ હોય તો?” રવિએ વાત કરી
“ લોજિક તો છે તારી વાતમાં, પણ આ સંદૂકની ઉપર જાળાં બાઝેલા હતાં એટલે એવું ધારી શકાયકે હજી કોઈએ સંદૂક નહીં ખોલી હોય. સમજયો, અને કોઈએ ખજાનો લૂંટયો જ હોય તો પછી આ ડાયરી અહિયાં શું કામ પાછી મૂકે? હે?” નિત્યાએ મગજ દોડાવ્યું
“ પોઈન્ટ. ચાલ તો આપણે એ ખજાનો શોધવા માંડીએ.” રવિએ કહ્યું
“ હમ્મ, એ તો વિચાર કે રાજમહેલમાં એવી તો કઈ જગ્યા હશે જ્યાં રાજા સિવાય કોઈનો પગ ના પડે?” નિત્યા ડાયરીની વાત વાંચીને વિચારવા લાગી
“ નિત્યા, બીજી વાત પર તારું ધ્યાન ના ગયું! તે જ કહ્યું કે મુશ્કેલના સમયે પૂર્વમાં જોજો. તો આપણે પૂર્વ તરફ જ જઈએ. જો કંપાસમાં પૂર્વ દિશા એટલે જો આ જમણી બાજુ.” રવિએ જમણી બાજુ ફ્લેશ મારીને બતાવી
        બેવ જણા પૂર્વ દિશામાં જાય છે. એ દિશામાં પડેલાં સંદૂકો તપાસે છે. નિત્યાને આશા હતી કે કોઈક તો હિંટ/ચાવી મળશે જ, જે ખજાના સુધી લઈ જાય. પણ કમનસીબે હજી સુધી મળી નહોતી. રવિ પણ રાજમહેલના ખૂણા ખાંચારાં તપાસતો હતો, પણ આખરે એ પણ કંટાળ્યો.
“ રહેવા દે નિત્યા, આ તો કઈ મળે એવું.....” રવિ બોલતા બોલતા અટકી ગયો. એને તરત નિત્યાને બૂમ પડી,” નિત્યા, દીવાલ ઉપર જો”. રવિએ દીવાલ ઉપર ફ્લેશ મારી.
“ શું થયું?” નિત્યાએ ઉપર જોયું. એ પણ જોઈને ચકિત થઈ ગઈ
“ મળી ગઈ એ જગ્યા, જ્યાં રાજા સિવાય કોઈનો પગ નહોતો પડતો.” રવિ બોલ્યો
“ ક્યાં?” નિત્યા ના સમજી
“ જો. આ ચિત્ર, રાજા જલ્લિકોટ્ટ્મનું. એ સિંહાસન ઉપર બેઠા છે અને એમના પગ નીચે સિંહની ખાલ પર ગોઠવેલ છે. આ એ જ જગ્યા છે જ્યાં રાજા સિવાય કોઈ પગ ના મૂકી શકે.” રવિએ સમજણ પાડી.
“ તો રાહ શાની જોઈએ? ચલ ત્યાં.“ નિત્યાએ તૈયારી દર્શાવી
        રવિએ બાજુમાં પડેલ એક જાડો લોખંડનો સળિયો લઈ લીધો અને બંને જણા સિંહાસન તરફ ગયા. વર્ષો જૂનો થયેલ રાજમહેલના સિંહાસન પર ધૂળો જામી ગયેલી હતી. સિંહાસનની બરાબર આગળ રવિએ ખોદવાનું ચાલુ કર્યું. જેવો એને પહેલો ઘા કર્યો એવામાં જ એ ઉછળીને દૂર પડ્યો. નિત્યા જોરથી ચીસ પાડી ઉઠી. રવિએ કરેલા પહેલા ઘા થી સિંહાસન પાસેની માટી આમતેમ ઉછળવા લાગી, સિંહાસન પણ જમીનથી બે ફૂટ અદ્ધર થઈ ગયું હતું. રવિ અને નિત્યાને કઈ જ ખબર નહોતી પડતી કે આ શું થઈ રહ્યું છે? બીજી જ સેકંડે એ સિંહાસન ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયું. હવામાં ઊછળતી માટી શાંત થઈ ગઈ. નિત્યાએ રવિને જઈને ઊભો કર્યો.
 “ રવિ આ શું થઈ રહ્યું છે, મને કઈ જ ખબર નથી પડતી. ચલ આપણે તરત અહિયાંથી નીકળી જઈએ.” નિત્યા ગભરાતા અવાજે બોલી
“ હા.. મને પણ કઇંક આભાસ થાય છે, કઇંક અજુગતું બનવાનો..” રવિ આગળ કઇંક બોલવા જતો હતો પણ, નિત્યાએ એને અટકાવ્યો
 ” શ્શ્શ્શ્શ....!” નિત્યાએ મોં પર આંગળી મૂકીને ચૂપ રહેવા ઈશારો કર્યો
        નિર્જન રાજમહેલમાંથી ઝાંઝરનો અવાજ રણકતો હતો. બંનેની ધડકનો તેજ થવા લાગી. શાંત રાજમહેલમાં કોઈક પગલાં પાડતું હતું. એ ઝાંઝરનો અવાજ ધીમે ધીમે તેજ થવા લાગ્યો હતો, એ પગલાં એમની તરફ જ વધી રહ્યાનાં સંકેતો મળી રહ્યા હતા. સમય સૂચકતા વાપરીને બેવ જણા મુખ્યદ્વાર તરફ ભાગ્યા. એ અવાજ પણ એમની પાછળ પાછળ આવતો હતો.
         બંને જણાએ દોટ મૂકી. બેવ જણા દ્વાર આગળ ઊભા રહી ગયા. રવિએ મુખ્યદ્વાર ઉઘાડવાનો પ્રયત્ન કર્યો પણ દ્વાર ઉઘડ્યો નહીં. અચાનક જ એ ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો હતો. નિત્યાએ રાહતનો શ્વાસ લીધો. મુખ્યદ્વાર તો ઉઘડ્યો નહીં, બંનેનાં જીવવ અધ્ધર થઈ ગયા. રવિ જોર કરીને આગળો ખોલવા જતો હતો, અને એને જમણા કાને કોઈના શ્વાસોચ્છવાસ મહેસુસ કર્યા. એને ડાબી બાજુમાં નજર કરીતો નિત્યા ફ્લેશ મારતી ઊભી હતી, તો આ કોણ!!! એને જમણી બાજુમાં જોયું તો કોઈ નહોતું, પણ બીજી જ સેકંડે એક યુવતી ફાણસ પકડીને ઊભેલી દેખાઈ. એનું મોં એટલું બિહામણું અને વિકરાળ હતું કે જોઈને જ હાંજા ગગડી જાય. એની આંખોમાં કીકી નહોતી, એના વાળ હવામાં અધ્ધર લહેરાતા હતા. એનો ચહેરો બળી ગયેલો જાણતો હતો. માથા અને શરીર પર વિખરાયેલા ઘરેણાઓ જોવા મળતા હતા. એ સમજી ગયો હતો કે એ યુવતી ભૂત હતી.
        બેવ જણાંએ આખા રાજમહેલમાં દોડધામ કરી મૂકી. બચવા માટેનાં રસ્તાઓ શોધી રહ્યા હતા. બધી બારીઓ અને દ્વાર બંધ હતા. એ લોકો રાજમહેલમાં જ કેદ થઈ ગયા હતા. આખરે એ લોકો ફસડાઈને રાજાનાં ચિત્ર આગળ પડ્યા. એ લોકો યુવતી આગળ રડમસ થઈ ગયા. એ યુવતી હુંકારા ભરતી એ બે તરફ આગળ વધી રહી હતી. નિત્યાએ ચાલાકી વાપરીને લાકડાંનો ટુકડો એની તરફ ફેંક્યો પણ એ ટુકડો એટલી જ ઝડપથી પાછો નિત્યાને વાગ્યો. યુવતી બંનેનાં મોઢા તરફ ફાણસ લાવીને જોઈ રહી, અને પછી અટ્ટહાસ્ય રેલાવવા માંડી.
“ ખજાનો...!!! હહહાહાહાહાહાહાહા......!!!” એ ભૂત ખડખડાટ હસવા માંડી
“ શ્શ્શ્શું....? કેવો ખજાનો! કયો ખજાનો?” રવિએ અજાણ હોવાનું નાટક કરતાં પૂછ્યું
“ એ જ ખજાનો જેને શોધવા તમે સિંહાસન પાસેની જગ્યા ખોદી હતી. મને મૂર્ખ બનાવે છે?... નાદાન, તું નથી જાણતો કે એ ખજાનો કોનો છે!” એ યુવતીએ જગ્યા પર જ આંટા મારતા કહ્યું,” એ ખજાનો રાજા જલ્લિકોટ્ટ્મનો છે, જેમને મરતી વખતે મને સોંપવાનો નિર્ણય કર્યો હતો, પણ કમનસીબે એક શરત પણ સાથે મૂકી હતી.”
“ એ શરત શું હતી?” નિત્યાએ પૂછ્યું
“ એ ખજાનો હું મારી મરજીથી ક્યારેય નહીં લઈ શકું. કોઈ મને આપશે ત્યારે જ હું લઈ શકીશ. એક વખત તો મે લેવાની કોશિશ કરી હતી, એનાં કારણે હું આ અવસ્થામાં પહોચી ગઈ છું. ના મોક્ષ પામી શકાય કે ના જીવન.” થોડું અટકી અને એ બંને તરફ ડોળા કાઢીને બોલી,” ખજાનો એ મારી ઈચ્છા છે, અને એ ઈચ્છા હવે તમે પૂરી કરશો.”
“ પપપપપપપણ અમ્મમમ્મમમ્મે... અમે !! અમે કેમ?” રવિ કચવાતા કચવાતા બોલ્યો
        એ યુવતીએ તરત નિત્યાનું ગળું પકડી લીધું, અને અટ્ટહાસ્ય કરતાં બોલી,” આને બચાવવી હોય તો તારે ખજાનો તો કાઢવો જ પડશે. હહહહહહહહહાહાહાહા....”
“ શોધું છું, શોધું છું. પણ મારી નિત્યાને કઇં જ નહીં કરતી... હું, હું લાવું છું તારો ખજાનો.. હમણાં જ લાવ્યો.”
        રવિ તરત એક લોખંડનું ઓજાર લઈને ખોદવા માંડ્યો. એને ત્રણ- ચાર ફૂટ જેટલું ખોધ્યું ને એટલામાં જ કઈક લોખંડ સાથે અથડાવાનો અવાજ આવ્યો. એને વધુ જોરથી ખોદવા માંડ્યુ. આખરે એને હાથ એક મોટી સંદૂક લાગી. મહામહેનતે એ સંદૂક બહાર લાવ્યો. સંદૂક ખોલતા જ જુએ છે તો એક એક મોટા સોનાના કળશની આજુબાજુમાં સોના, ચાંદીના સિક્કાઓ હોય છે. એ કળશની ઉપર લાલ કપડું બાંધીને રાખ્યું હોય છે. યુવતી નિત્યાને પડતી મૂકે છે અને ખજાના તરફ જાય છે.
“ આહહહહહહા, મારો ખજાનો, જેની વર્ષોથી મને શોધ હતી.... “ યુવતી ખજાનાને જોઈને ગાંડી બની ગઈ હતી, એ ખજાનાને અડવા જ જાય છે, અને એટલામાં જ પાછળથી એક ઘેરો, ગુસ્સાવાળો, આદેશાત્મક અવાજ આવ્યો, ” ધરણી...!!!”
        ત્રણેય જણા પાછળ જુએ છે તો એક બહુ જ ચમકતી રોશની દેખાય છે. રાજમહેલમાં ચારેકોર અજવાળું ફેલાઈ જાય છે. એમાંથી એક સુંદર આકાર નજરે ચડે છે. ધીમે ધીમે એ આકાર નજીક આવે છે. નજીક આવતા રવિ અને નિત્યા બેવ ચમકી ગયા. એ આકાર પેલી બિહામણી યુવતી જેવો જ હતો; પણ અત્યંત મનમોહક અને સુંદર. એ મનમોહક યુવતીનો વેશ સુસજ્જ હતો. એને કાને સોનાનાં કુંડળ પહેર્યા હતા. ગળે ભરાવદાર હાર અને રજવાડી ચોલી પહેરી હતી. એનાં પગલાં હવામાં પડતાં હતાં અને હવામાં કંકુકેરી છાપ છોડી જતાં હતાં. એને જોઈને પેલી બિહામણી યુવતી આશ્ચર્યથી બોલી ઉઠી, “ કુલધરણી!!!...”
“ ધરણી, પિતાશ્રીનાં આદેશ મુજબ આ ખજાનો પ્રજાનો છે. આપણાં રાજપરિવારનો નથી. તું આ ખજાના પર અધિકાર નહીં જમાવી શકે. ” કુલધરણી, ધરણીની સામે આવીને બોલી
“ નહીં, આ ખજાના પર અધિકાર તો મારો જ છે. પિતાશ્રીએ એમની બેવ સરખી પુત્રીઓ સાથે અન્યાય કર્યો છે. તારો જન્મ એક ઘડી વહેલો થયો એટ્લે તને રાજગાદી આપી દીધી, પણ ક્યારેય આ પુત્રીનો વિચાર કર્યો છે? આપણે સરખા હોવા છતાં પણ અન્યાય કેમ! આ અન્યાયને દૂર કરવા જ આ ખજાનો હું લઈ રહી છું...” ધરણી ગુસ્સા સાથે બોલી
“ નહીં. તું મારા રહેતાં આ ખજાનો લઈ નહીં શકે. નહીં તો, એકવાર ફરી મારે તને પાંચસો વર્ષ પૂર્વેની જેમ મૃત્યુદંડની સજા આપવી પડશે.” કુલધરણીએ એની ચમકતી તલવાર ઉગામી
“ એ સમયે યુદ્ધ બે શરીર વચ્ચેનું હતું, પણ આ યુદ્ધ બે આત્માઓ વચ્ચે છે... આ વખતે પ્રતિશોધ લેવાનો વારો મારો છે....” આમ કહીને ધરણીએ ગુસ્સામાં એની કાળી તલવાર કાઢી
        ધરણી અને કુલધરણી વચ્ચે યુદ્ધ છેડાઈ ચૂક્યું હતું. પાંચસો વર્ષ પૂર્વે પણ આમ જ બે શરીર લડ્યા હતાં, અને આજે બે આત્માઓ. ધરણી ક્રોધ અને આવેશમાં આવીને કુલધરણી પર પ્રહાર કરતી હતી, તો કુલધરણી પણ એ આઘાતનો મજબૂત પ્રત્યાઘાત કરતી. રાજા જલ્લિકોટ્ટ્મને સંતાનમાં બે જોડકી દીકરીઓ હતી. રાજા કોઈ દિવસ બંનેમાં સરખામણી નહોતા કરતાં, પણ બેવનાં ઉછેર અલગ અલગ ઢબે થયા હોવાથી ફરક સાફ નજરે ચડતો. બંને એક જ પિતાની સંતાન હતી, પણ કુલધરણી પહેલા પ્રજાનું વિચારતી અને ધરણી પોતાનું. બેવ એકબીજાથી ચડિયાતી હતી, પણ આખરે પિતાની સત્તાતો માત્ર એક જ ને મળવાની હતી. રાજાએ મૃત્યુ સમયે સત્તા કુલધરણીને આપવાનો નિર્ણય કર્યો, આથી ધરણી રોષે ભરાઈ. રાજાનાં દગાખોર મંત્રીની વાતોમાં આવીને એને આપાતકાલીન સમય માટે સાચવેલો ખજાનો લૂંટવાની ચેષ્ટા કરી, પણ કુલધરણીએ એ બધી મહેનત ધૂળમાં ફેરવી નાખી અને એને પોતાના હાથે મૃત્યુદંડ આપ્યો. મૃત્યુ બાદ ધરણીની અજંપી આત્માને શાંતિ ના મળી. એને એક પછી એક રાજમહેલનાં બધા લોકોનાં જીવ લીધા. પૂરા રાજ્યને તબાહ કરી નાખ્યું. છેલ્લે એને પોતાની સગી બહેનને પણ નહોતી છોડી. કુલધરણીએ એને મરતી વખતે શ્રાપ આપ્યો હતો કે,“ ખજાનો પોતે પોતાનો ભાગ્યવિધાતા નક્કી કરશે. તું આવી જ રીતે ભટક્યા કરીશ આ લોકમાં...”
        ત્યારથી ધરણી રાજમહેલમાં ભટક્યા કરતી હતી. કોઇની રાહ જોતી, કે જે એ ખજાનાને શોધી શકે. આજે એ ઘડી આવી ચૂકી હતી. ધરણીનું કામ થઈ જવાના આરે જ હતું અને ત્યાં જ કુલધરણી આવી પહોચી હતી. રવિ અને નિત્યા લાગ જોઈને ત્યાંથી સરકાવા જઈ રહ્યા હતાં, પણ ધરણીની મેલી શક્તિઓ એમને ત્યાંથી બહાર નીકળવા નહોતી દેતી.
“ રવિ, હવે શું કરીશું?” નિત્યા ગભરાઈને બોલી
“ કળશ બહાર કાઢો...!!“ લડતા લડતા કુલધરણીએ આદેશ આપ્યો
        નિત્યા ફટાફટ એ ખજાના પાસે જાય છે, અને કળશ ઉપરનું લાલ કપડું હટાવે છે. એ કળશની અંદર એક ખંજર હોય છે. નિત્યા એ ખંજર હાથમાં લઈને ધરણીની પાછળ જાય છે, અને એની પીઠમાં ખંજર ભોંકી દે છે. એક મોટી રાડ સાથે ધરણી જમીન પર પછાડાઇ જાય છે. ધીમે ધીમે એની આત્મા એ હવામાં વિલીન થાય છે. રવિ પણ નિત્યાની સાથે ઊભો થઈ જાય છે.
“ આ બધી માયાજાળ, મારી કપટી બહેન ધરણીની હતી. આખરે એનો અંત આવ્યો તો પણ કેવો! ખજાનાએ તમને પસંદ કર્યા છે, આથી હું ઇચ્છીશ કે તમે આ ખજાનો અહિયાંથી લઈ જાઓ અને એનો ઉપયોગ સારા કર્મોમાં કરજો.” આટલું કહીને કુલધરણી પણ એક બિંદુ બની હવામાં વિલીન થઈ ગઈ

        રાજમહેલનાં દ્વાર આપોઆપ ખૂલી જાય છે, બહાર નીકળીને જુએ છે તો ઘેરા વાદળો દૂર થઈ ગયા હોય છે અને એ જ ભૂરું, વિશાળ અને સોનેરી કિરણોને પૃથ્વી પર ફેલાવતું આકાશ નજરે ચડે છે. બેવ ખુશ ખુશ થઈ જાય છે. કાર સ્ટાર્ટ કરે છે તો પહેલાંની જેમ જ ચાલુ થઈ જાય છે. બંને ભેગા મળીને ખજાનાને કારમાં મૂકે છે, અને રામાપટ્ટીનાં રસ્તે વળે છે...


Comments

  1. Replies
    1. Thank You so much! Keep enjoying this blog.👍

      Delete
  2. સરસ આપ મારા બ્લોગ મા પણ સુચન આપી શકો છો

    ReplyDelete
    Replies
    1. વર્ષો બાદ પ્રતિભાવ આપવા બદલ ક્ષમા ઈચ્છું છું. મેં આપનો બ્લોગ વિઝિટ કર્યો અને સુંદર વિચારો તમે પ્રસ્તુત કરી રહ્યા છો. આશા રાખું કે આપ આવી રીતે પ્રગતિ કરતાં રહો અને નવીનતમ રચના અને વિચાર વહેંચતા રહો.

      Delete

Post a Comment

Popular Posts