Tame Shu Karta?
“હું એ દરવાજાની બહાર તો નીકળી ગઈ હતી
પણ મનમાં કેટલાય વિચારો સાથે. સવારનાં નવ વાગ્યાની ગઈ હતી, ઇન્ટરવ્યુ આપવા. ઘડિયાળમાં સમય જોયો તો સાંજનાં પાંચ વાગી ચૂક્યા હતાં. સવારની
પોતાનો વારો આવશે એ રાહમાં ખાધા વગર બેસી રહી હતી અને આખરે મળ્યું તો શું?
હું ઘણી ઉદાસ થઈ ગઈ હતી. મને અપમાનનો
અનુભવ થઈ રહ્યો હતો. મને અફસોસ હતો કે મારા જેવી મૌલિક વિચાર-સરણી ધરાવનારનું, આવી પ્રતિષ્ઠિત જગ્યાએ કોઈ સ્થાન નહોતું!
સાંજની રોશનીમાં અમદાવાદ ચમકતું હતું. લોકો પોતાના
કામ-કાજ પતાવીને ઘરે જવાની ઉતાવળમાં હતાં. કેટલોક સમય સિટી બસ સ્ટેન્ડ ઊભા રહ્યા બાદ
મને એક સિટી બસ મળી જેમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. પોતાની જાતને ગમે તેમ ધક્કો
મારી ને અંદર પહોચી પણ બીજી જ મિનિટે આટલી હકડેઠઠ ભીડમાંથી અલગ થઈ ગઈ. સામેની
તરફથી આવેલી ધક્કાની લહેરે મને બહાર સ્ટેશન પર હડસેલી દીધી હતી. બસનાં દરવાજા બંધ
થઈ ગયાં અને બસ ઉપડી ગઈ, મારા વગર! મને ધીમે ધીમે વાસ્તવિક
દુનિયા સાથે પરિચય થવા માંડ્યો હતો.
સાવ અપિરિચિત હતી આ દુનિયાની ભીડથી. એક નાના
શહેર કરતાં તો અહિયાંની દુનિયા અલગ હતી. અહિયાં કોઇની પાસે સમય નહોતો. હું કૈંક તો મળશે એ વિચારીને ચાલતી થઈ રસ્તા પર.
રસ્તાનાં એક છેડે આવીને ઊભી થઈ ગઈ અને આમતેમ નજર દોડાવા લાગી. કદાચ કોઈ રિક્ષા કે
લિફ્ટ મળી જાય એ આશાએ. પણ આ તેજ ગતિથી દોડતા અમદાવાદમાં મારા માટે કોણ ઊભું
રહેવાનુ હતું! પર્સમાંથી બોટલ કાઢીને પાણી પીવા ગઈ પણ પાણી જ નહોતું, અને એટલામાં તો કાન ફાડી નાંખે એવો હોર્નનો
અવાજ આવ્યો. એક રિક્ષાની તેજ ચમકતી હેડલાઇટનો સીધો પ્રકાશ મારા મોઢા પર આવતો હતો. હું
ગૂંચવાઇ ગઈ હતી.
“ઑ બેન... આઘા ખાસો
ને..” એ રિક્ષા વાળાએ બૂમ મારી
હું બાજુની ફૂટપાથ ઉપર જઈને ઊભી થઈ ગઈ.
વિચારવા લાગી,
“હવે ઘરે કેમ કરી પહોચશે?”. ખૂબ ગભરાઈ ગઈ હતી કારણકે એની એ જ જગ્યાએ ઊભા ઊભા મારે કલાક
થઈ ગયો હતો. જો ઘરે પહોંચવું હોય તો કમસેકમ સાત વાગ્યા સુધી તો અમદાવાદ બસ ડેપો
સુધી પહોંચવું પડે,
નહિતો આગળ શું થાય એની તો મને પણ નહોતી ખબર. એ તો સારું થયું કે વખતસર ઘરે વાત કરી
દીધી હતી,
બાકી મોબાઈલની બેટરી પણ ડેડ થઈ ચૂકી હતી. પણ સમસ્યા તો ઊભી જ હતી, ’ઘરે કેવી રીતે પહોંચીશ?’. ફરી દસ પંદર મિનિટ નીકળી ગઈ પણ કોઈ યોગ્ય વાહન
ના મળ્યું.
મારૂ મોઢું રડમસ થઈ રહ્યું હતું. તે છતાય મને શું સૂઝયું કે ફૂટપાથ ઉપર આગળ
ચાલવા લાગી. મને તો ખબર પણ નહોતી કે આ
રસ્તો કઈ તરફ જાય છે,
પણ એ વાહનોની ભીડની પાછળ પાછળ ચાલવા મંડી. આગળ એક ચાર રસ્તા પડતી જગ્યા એ આવીને
હું થોભી. ત્યાં લાલ સિગ્નલ હતું એટલે ભીડ તો સ્વાભાવિક રીતે હતી જ. મારા મગજમાં
ચાલતા આખા દિવસની ઘટનાનાં વિચારો બૂમરેંગની જેમ ફરવા લાગ્યા...
“ધારો
કે તમે કોઈ કામમાં અસફળ થયા હોવ, તો તમે શું કરશો? એ કામ ફરી કરશો કે પછી કોઈ નવો રસ્તો શોધશો?” ઇન્ટરવ્યુ કરનારે સવાલ પૂછ્યો
“હું
નવો રસ્તો શોધવાનું પસંદ કરીશ.”
મેં
બેધડક પણે જવાબ આપ્યો, પણ સામે સવાલ પૂછનારનો
અહમ ઘવાયો. કદાચ એને જે જવાબ સાંભળવો હતો એ જવાબ નહોતો મળ્યો.
“કેમ?” ફરી સામેથી સવાલ પૂછાયો
“મારા
માટે, કામમાં અસફળ કેમ થયા
એના પર વિચાર વિમર્શ કરવો યોગ્ય બાબત છે, પણ એના માટે ફરી એ રસ્તો ઉપયોગ કરવો એ મૂર્ખામી છે.”
“પણ
મારા માટે, એ કામ ત્યાં સુધી
કરવું જોઈએ જ્યાં સુધી તેમાં સફળ ના થઈએ. આના વિષે તમારું શું માનવું છે?” સામે વાળાએ થોડાક અભિમાન પૂર્વક કહ્યું
“સાચી
વાત છે સર, પણ આપણે નવા રસ્તાઓ
શોધવા પણ જરૂરી છે. સફળતાનાં ઊંચા શિખરો પર પહોંચવું હોય તો તેના માટે નવા માર્ગો
શોધવા એ પણ અત્યંત આવશ્યક છે અને આખરે, કસ્ટમર્સ પણ તો કૈંક નવું જ ઝંખતા હોય છે.” મેં
વિનમ્રતાથી પોતાની રજૂઆત કરી
“સારું, તમે જઇ શકો છો.” પેલાંએ મોં મચકોડતા કહ્યું
“સર, શું આપનો મારા એપ્લિકેશન પ્રત્યે અભિગમ હકારત્મક સમજવો?”
“જુઓ
મેડમ. એક વાત ક્લિયર કરી આપું. તમારી રીતે તમે સાચા હોઇ શકો છો પણ હાલ તમારા જેવા
કે જેઓ એક કામમાં સફળ ના થઈ શકે કે સફળ કરવાનો પ્રયત્ન ના કરી શકે, એવાં કર્મચારીની અમને જરૂર નથી. થેન્ક યુ.”
“પણ
સર,..” મેં હજી બોલવાનો
પ્રયાસ કર્યો
“તમે
જઈ શકો છો. નેક્સ્ટ” પેલાં એ દરવાજો બતાવતા કહ્યું
પાછળ ટ્રાફિકનો હોર્ન
વાગતા મારી વિચારમાળામાં ભંગ થયો. આગળનાં વાહનોની વચ્ચે થઈને રસ્તો ક્રોસ કરવા ગઈ
અને એકાએક મને ચક્કર આવ્યા. એ હોર્નનાં આવજો, ઇન્ટરવ્યુનો ખરાબ અનુભવ, મારા સપનાઓ બધુ જ મારા દિમાગમાં ગોટાળે ચડવા માંડ્યુ અને અચાનક
જ મારા પગ લથડયા. મારી સાથે શું થઈ રહ્યું હતું એ મને ખબર જ નહોતી પડી. હું લગભગ જમીનદોસ્ત
થવાનાં આરે જ હતી અને ત્યાં જ કોઈ મહિલાનાં હાથે મને સાંભળી લીધી હતી. બેશુદ્ધ અવસ્થામાં
મને આજુબાજુ શું થઈ રહ્યું છે એ કઇં જ ખબર નહોતી.
“ઓય, શું થયું? ઠીક તો છે ને?” એ મહિલા બોલી
“પાણી..” હું બસ એટલું જ બોલી શકી
સિગ્નલ ફેરવાવાની તૈયારીમાં જ હતું એટલે
એ મહિલાએ જલ્દીથી મને પાછળ ઊભેલી રિક્ષામાં બેસાડી. એને પીવા માટે ઠંડા પાણીનો
બોટલ આપ્યો અને પોતે આગળ બેસી ગઈ. સિગ્નલ ગ્રીન થતાં એને રિક્ષા સ્ટાર્ટ કરી.
ઠંડુ પાણી પીતા જ મને રાહત
થઈ. મારા શરીરમાં ફરીથી જીવ આવ્યો હોય તેવું લાગ્યું.
“થેન્ક યુ.” હું પાણીની
બોટલ આપતા બોલી
“ઇટ્સ માય પ્લેઝર! બોલ
તારે ક્યાં જવું છે?”
આગળની મહિલા બોલી
એને અંગ્રેજી બોલતાં
સાંભળીને હું આશ્ચર્યમાં મુકાઇ ગઈ.
“બસ ડેપો, પણ..”, બીજી જ સેકંડે હું આશ્ચર્ય સાથે બોલી, “તમને અંગ્રેજી આવડે છે?”
“કેમ આશ્ચર્ય થયું? એક ઓટો રિક્ષા ચલાવનાર અંગ્રેજીમાં ના બોલી શકે?” પેલી એ રિક્ષા આગળ વધારતા કહ્યું
“એમ નહીં, પણ આ તો...” મારી પાસે શબ્દો નહોતાં
“હમ્મ.. તું અમદાવાદની
તો નથી લગતી! પહેલી વાર આવી છે કે શુ?” એને આગળ પૂછ્યું
“હા. મારો આજે પહેલો
ઇન્ટરવ્યુ હતો એટલે અહી આવી હતી. અત્યારે સાત વાગ્યા પહેલા ડેપો પહોંચવું જરૂરી છે
અને અત્યારે પાછું મોબાઈલમાં બેટરી પણ નથી.” હું ચિંતામાં એટલું જ બોલી
“એમ! લાવ તારો મોબાઈલ
આગળ ચાર્જ કરવા મૂકી દઉં.” એને રિક્ષામાં આગળ ચાર્જ કરવા મોબાઈલ મૂક્યો
”ગભરાઈશ
નહીં, સાત વાગ્યા પહેલા તો
તને પહોંચાડી દઇશ.” એ થોડુક હસતાં બોલી
અમદાવાદની ભીડમાં
રિક્ષા ધીમે ધીમે રસ્તો શોધતાં આગળ વધી રહી હતી. થોડી વાર સુધી તો કોઈ કઈ બોલ્યું
નહીં. હું પણ મારા વિચારોમાં ખોવાઈ ગઈ. શું સાચેમાં મારે કોઈ નવો રસ્તો અપનાવવો જોઈએ? કોઈ બીજાની પાછળ મહેનત કરવા કરતાં હું કૈંક મારા
પોતાના કામ પાછળ મહેનત ના કરું? કોઈ બીજાનાં સપનાનાં મહેલો ચણવા કરતાં હું મારો જ મહેલ કેમ ના
ચણું? મારે કૈંક તો અલગ કરવું
જ જોઈએ. આ ભીડ કરતાં કોઈ અલગ રસ્તે, કોઈ નવા પ્રવાસે ઉપાડવું જોઈએ...
“તો આજનો ઇન્ટરવ્યુ
કેવો રહ્યો?” એ રિક્ષામાં
ચાલી રહેલી શાંતિનો ભંગ કરતાં બોલી
“એના કારણે જ તો મોડુ
થઈ ગયું. ખરેખર તો કોઈને સારા ટેલેન્ટની કદર જ નથી. રિજેક્ટ કરી નાખી મને.” હું આખા
દિવસની ઘટના ફરી વિચારીને હતાશ થઈ ગઈ
“હાહાહા... સાચી વાત
છે. હવે મારી જ વાત લો ને. આજ થી સાત વરસ પહેલાં, જેમ તેમ કરીને બી.કોમ તો ભણી, પણ નાલાયકો એ નોકરીએ ના લીધી. કેટલીય જગ્યાએ અપ્લાઈ કર્યું
હતું, પણ કહે છે કે અમે કિન્નરને
નોકરીએ નથી રાખતા..”
હું ચમકી!
એ રિક્ષા ચાલક જેને હું
મહિલા સમજી રહી હતી એ એક કિન્નર હતી!
“પછી!” મને એની વાત જાણવામાં રસ પડ્યો
“લોકો માને છે કે
કિન્નરો બસ મહેનત વગર પૈસા માંગવાનુ જ સમજે છે, પણ એ જ લોકો નોકરીએ કે કામે રાખવાની ના પડે છે. મે તો
બી.કોમ કરેલું છે, પણ
નોકરીએ ના રાખી! મેં પણ વિચારી લીધું, પૈસા કમાવવા માટે ખાલી આશીર્વાદો આપવા કે નોકરી જ કરવી
જરૂરી નથી, હું
પોતે પણ કૈંક કરી શકું છું. બસ એ દિવસની આ રિક્ષા લઈ લીધી અને કમાવું છું, ક્યારેક કોઇની જોડે પૈસા ના હોય તો બી લઈ જાઉં છું.
માં બહુચર ખુશ થાય.” એને રિક્ષાને કોઈ ગલીમાં થી કાઢીને મેઇન રસ્તા પર લઈ લીધી
“હું એક કોમ્પુટર
એંજિનિયર છું. મને ઇન્ટરવ્યુનું બધુય આવડતું હતું પણ એમને ગધેડાંની જેમ કામ કરનાર
એમ્પ્લોઈની જરૂર હતી. એ મારા એક વિચાર સાથે સહમતના થયા અને માનો જોબ ઓફર ના કરી. હું
હજી કઈ ચોખવટ કરું એ પહેલા તો જવા કહી દીધું.” મેં પોતાની કથા કરી
“ભાગ્યે જ કોઈ કંપની
એવા વ્યક્તિને લે કે જે એમના કરતાં વધારે હોશિયાર હોય! બાકી બધા પોતાની આંગળીએ કામ
કરે એવા વૈતરાખોરને જ શોધતા હોય છે.” એ કિન્નર બોલી
“સાચી વાત છે.”
“પણ એ લોકો એક ભૂલ કરી
બેસે છે,
આવા જ હોંશિયાર લોકો એમનાથી આગળ નીકળવાની આવડત ધરાવે છે.
ક્યારેક એમને પણ વિચારી જોવું
જોઈએ કે મારી જગ્યાએ પોતે હોત તો શું કરતાં?” એને પોતાનો મત રજૂ કર્યો
એની વાતોમાં દમ હતો, મને એના પ્રત્યે માન ઉપજયું. જો દરેક વ્યક્તિ
આવું વિચારે તો કેટલો ફેર પડે! મને લાગ્યું કે મારા સવાલોનો જવાબ મળી ગયો છે. આજે આવું
સમજનારા પણ ક્યાં જોવા મળે છે! એમને મને પોતાની જેમ કૈંક અલગ કરવાની પ્રેરણા આપી હતી.
વાતોમાં ને વાતોમાં બસ
ડેપો આવી ગયું. મેં ઘડિયાળમાં જોયું તો સાત વાગવામાં હજી પંદર મિનિટ બાકી હતી.
“સમય કરતાં વહેલાં
પહોંચાડી દીધી ને તમે તો દીદી! થેન્ક યુ!” મેં રિક્ષામાંથી ઉતરતા કહ્યું
“આ ધન્નો છે જ એટલી
ફાસ્ટ...” એને હસતાં હસતાં કીધું અને મેંનો મોબાઈલ ચાર્જ માંથી કાઢીને મને આપ્યો.
મેં પર્સમાંથી પૈસા
કાઢતા પૂછ્યું,”
કેટલાં રૂપિયા આપવાના?”
“દીદી કહે છે અને
રૂપિયા પણ આપશે! જા બેન તને માં ખૂબ સુખી રાખે.” એને મારા માથે હાથ રાખતાં કહ્યું
“એમ ના હોય! આજે તમારા
કારણે હું અહી આ સમયે ઊભી છું. જો તમે ના હોત તો આજે મારૂ શું થયું હોત એ વિચારતા
જ બીક લાગે છે. તમારે પૈસા તો લેવા જ પડશે.” મેં પૈસા કાઢતાં કહ્યું
“ના ના હવે.” એને સાફ
ઇનકાર કર્યો
“સારું, એક કામ કરજો મારા વતી કોઈ બીજા જરૂરિયાતને
બેસાડીને મદદ કરજો અને આ પૈસા એના સમજજો. જુઓ ના નાં પડતાં.” મેં પચાસ રૂપિયાની
નોટ કાઢીને રિક્ષામાં
મૂકેલા માતાજીના ફોટા આગળ મૂકી દીધી
“હવે
મદદનાં નામે દીધા તો ના પણ ના કહેવાય.” એ જરાક હસતાં બોલી
“થેન્ક
યુ!, હવે અહિયાંથી બસ સ્ટેન્ડનો રસ્તો?” મેં આજુબાજુમાં નજર કરી પણ ખ્યાલ ના આવતા, અચકાતા બોલી
“આ
સામે ચાર પગથિયાં ચડીને સીધી અંદર જતી રેહજે.” એને દિશા સૂચવી
“ઓકે.”
હું ચાલવા માંડી
હું
રસ્તો ક્રોસ કરીને સહેજ આગળ ગઈ અને મને જબરદસ્ત
વિચાર આવ્યો, મને કૈંક સૂઝયું કે એટલે
હું પાછી ફરી. પાછો રસ્તો ક્રોસ કરીને રિક્ષા સ્ટેન્ડ આગળ પડેલી રિક્ષા પાસે ગઈ,
“દીદી, મને તમારો મોબાઈલ નંબર મળી શકશે?” મેં પૂછ્યું ”
*****
“પછી
શું કર્યું?” ટીવી રિપોર્ટરે
ઇન્ટરવ્યુનો આગળ સવાલ કર્યો
“સ્ટાર્ટ-આપ માટે ઘણી બાબતો મારા ધ્યાનમાં હતી. એમાં એક ઘણી અગત્યની, કે કોઈ મહિલા મોડે સુધી કામ કરે તો તેને આવવા જવા માટે ઘણો ખતરો રહે છે. એવા શહેરોમાં તો ખાસ જ્યાં રાત દિવસ બળાત્કાર, લૂંટફાટની ઘટનાઓ સામાન્ય રીતે ઘટતી રહે છે. એનાં પર મે અને મારા જૂના ક્લાસમેટે ભેગા થઈને રિસર્ચ કરી અને એક નવો રસ્તો શોધ્યો અને બસ થોડાક મહિનાઓ પછી મે એક એપ ડિઝાઇન કરી ‘ઓટો પિન્ક’, જે મહિલાઓને, કિન્નરોને સ્વરોજગાર અપાવી શકે. જે અમુક ઉત્સુક કિન્નરો અને મહિલાઓ તૈયાર થઈ એમને મે અને દીદીએ લોન ઉપર રિક્ષાઓ અપાવી. આજે આ રીક્ષાઓ ઓફિસે કામ કરતી એકલી યુવતી કે યુવતીઓનાં સમૂહને, રિક્ષા સવાર સાંજ લેવા મૂકવા જાય છે. બાકીનું બધુ કામ ઓનલાઈન છે, જેમ કે પેમેન્ટ અને બૂકિંગ વગેરે.. અને આ સ્ટાર્ટ-અપ કારણે જ ઘણી યુવતીઓ નિર્ભયતાથી મોડી રાત સુધી કામ કરી શકી છે.” શ્રુતિએ જવાબ આપ્યો
“તમને
તકલીફ પણ પડી હશે! કારણકે આ સમાજ કિન્નરોને જુદી દ્રષ્ટિએ જુએ છે!”
“હા, શરૂઆતમાં ક્યારેક યુવતીઓ અને છોકરીઓ રોક્ષામાં બેસતા
ગભરાતી પણ એકવાર ઓટો-પિન્કની કિન્નરે
યુવતીની લાજ બચાવી હતી અને પોતાની રિક્ષામાં બેસાડીને ઘરે મૂકી ગયેલી. જે ખૂબ
વાયરલ થયું હતું. એના કારણે લોકોમાં વિશ્વાસ વધ્યો. યુવતીઓ અને ઘણા સમાજ તરફથી પણ આ
સ્ટાર્ટ-અપને વેગ મળ્યો. આજે એમને હું ખૂબ ખૂબ આભારી છું.” શ્રુતિએ કહ્યું
“છેલ્લો
સવાલ, તમે આજની યુવા પેઢીને શું કહેવા
માંગશો?”
“બધા
ઘણું બધુ કહેતા હોય છે પણ હું માત્ર એટલું જ પૂછીશ, જો તમે મારી જગ્યાએ હોત તો તમે શું કરતાં? હું પણ શરૂઆતમાં નિરાશ હતી, પણ મે મારો માર્ગ શોધ્યો. કોઈ નોકરી ના મળવાને લીધે
નિરાશ ના થતાં નવો રસ્તો શોધ્યો. તમને તમારો જવાબ મળી જશે તો જીવન બદલાઈ જશે. જે કંપનીએ મને રિજેક્ટ કરી હતી આજે એ કંપનીને બે મહિના પહેલા જ ખરીદી છે. યાદ રાખજો
આ દુનિયાને બદલવા માટે સાહસિકોની જરૂર છે. આભાર.”
આટલું
કહીને શ્રુતિએ પોતાની વાતને વિરામ આપ્યો.




Inspirational story...!
ReplyDeleteThank You so much!!
DeleteIt's excellent👌
ReplyDeleteThank You!!😊
DeleteUnique and very appreciative
ReplyDeleteHope this will inspire our youth to always find a way out to get in again...
Yes, Exactly! and Thank You so much!!😊😊😊
DeleteGreat story👍👌
ReplyDeleteThank you Sandipbhai!😊
Deleteસરસ વાર્તા છે દોસ્ત
ReplyDeleteખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈ!!😀
Delete