અજાણી મુસાફર
ઘનઘોર રાત જામી ગઈ હતી. શિયાળાની ઠંડી પોતાની અસર દેખાડતી હતી.
થોડાંક થોડાંક અંતરે લાગેલી સ્ટ્રીટ લાઇટોનું અજવાળું એ સૂમસામ રસ્તાને વધુ ભયાનક બનાવી રહ્યું હતું.
આવાં સમયે એક બસ મુસાફરો ને લઈને કચ્છ તરફ જઈ રહી હતી. બસનો ડ્રાઈવર એ સમયનાં સદાબહાર ગીતો સાંભળી રહ્યો હતો જેથી તેને ચાલુ બસમાં ઝોકું ના આવી જાય.
બસની અંદર વિન્ડો સીટ પાસે એકલો બેઠેલો વિકાસ કાનમાં હેડફોન નાખી બારીની બહાર ટમટમી રહેલાં તારલાઓ જોઈ રહ્યો હતો.
એનાં મોબાઈલમાં એક મેસેજ નોટિફિકેશન આવી.
“હેય, જાગે છે?”
એને તરત ચેટ ઓપન કરી અને રિપ્લાય આપ્યો.
“હા, તું પણ?”
“હાસ્તો વળી. ઊંઘમાં મેસેજ કરતાં હજી સુધી નથી શીખી.” સામેથી જવાબ આવ્યો
“વાહ. ઘણી હોશિયાર છે તું.”
“એ તો પહેલે થી જ.”
વિકાસની વાત ચાલતી હતી ને અચાનક જ ડ્રાઈવરે બસ ધીમી કરીને બ્રેક મારી. વિકાસે બારીની બહાર મોઢું કાઢી જોયું તો બહાર એક યુવતી ઊભી હતી. સ્ટ્રીટ લાઇટનાં અજવાળામાં એ યુવતીએ પહેરેલા કપડાં ઝગારા મારતાં હતાં.
એ જ્યાં ઊભી હતી એનેથી થોડીક દૂર એની કાર પડી હતી. કદાચ એ બગડી હશે અને આટલી રાત્રે કોણ મદદે ચઢે!
એ બસમાં ચઢી અને વિકાસ જે બે ની સીટમાં બાજુમાં બેગ રાખી ને બેઠેલો હતો, તેને બેગ પોતાની જોડે લઈ લીધી.
એ યુવતી પણ જગ્યા જોઈ વિકાસની બાજુમાં જઈને બેઠી.
વિકાસે જોયું તો એ યુવતીએ ઘેરદાર ચણિયાચોળી જેવુ પહેર્યું હતું.
એને એ યુવતીની સામે જોઈ સ્માઇલ કર્યું, પણ એ યુવતીએ એની સામે પણ ના જોયું.
ત્યાં સુધીમાં બે ત્રણ વાર મેસેજની નોટિફિકેશન આવી ગઈ, પણ વિકાસની નજર કેમ કરી એ સુંદર યુવતી પરથી ખસી જ નહીં. એ યુવતી નાં ચહેરા પર થોડુંક ટેન્શન જણાતું હતું, એ ચૂપચાપ બેસી રહી હતી.
વિકાસે પાણીની બોટલ કાઢી ને બે ઘૂંટ પીધું અને એ યુવતીને પૂછ્યું.
એને હળવા સ્મિત સાથે ના પાડી.
વિકાસ વિચારતો રહ્યો કે આ તો અજીબ છે ને!
એને પાછો મોબાઈલ અનલોક કર્યો અને મેસેજનો ઢગલો જોયો.
- “બાય ધ વે, નેક્સ્ટ વિક હું આવું છું કચ્છ.”
- “તને મળવા”
- “આવું ને?”
- “હેય, બોલ ને? કોઈ વાંધો નથી ને?”
એને ટૂંકો રિપ્લાય આપ્યો.
“તું આવ, વાંધો નથી. હાલ સૂઈ જા. પછી સવારે જોબ પણ છે તારે. ગુડ નાઈટ.”
એને મેસેજ ડ્રોપ કર્યો અને પાછો તારલાઓમાં ખોવાઈ ગયો.
એનું મગજ હજી એની બાજુમાં બેસેલી યુવતીનાં વિચારોમાં રમ્યા કરતું હતું.
‘આટલી રાત્રે અને એ પણ એકલી આવા સૂમસામ રસ્તા ઉપર!’
‘કેટલાં સમયથી એકલી ઊભી હશે!’
‘શું એ કોઈના લગનમાં જતી હશે?’
‘શું એને એનાં વિશે આટલી રાત્રે કઈં પૂછવું યોગ્ય રહેશે?’
‘ના, સૂઈ જા વિકાસ. હાલ આરામ કરવો જોઈએ કાલે કામ પર પણ તો લગવાનું છે.’
એ યુવતી પણ સૂઈ ગઈ હોય એમ એનું માથું વિકાસનાં ખભા પર અથડાયું. વિકાસ ઝબક્યો.
એને બાજુમાં જોયું તો એ યુવતી પોતાનાં ખભે માથું મૂકી આરામની નિંદર માણી રહી હતી. એની કાજળઘેરી આંખો જાણે કેટકેટલા સાગરનાં પાણીની પાળ મજબૂત રીતે બાંધેલી હોય એમ બિડાયેલી હતી. એનાં વાળ બારીમાંથી આવતા પવનને કારણે પાણીની લહેરની જેમ હવામાં ઊછળી રહ્યા હતાં.
એ યુવતી પોતાનાં હલનચલનનાં કારણે ઉઠી ના જાય એટલે એ ધીમે રહી, બારી બંધ કરી બારીનો ટેકો લઈને સૂઈ ગયો.
***
સવારે એની આંખ ખૂલી ત્યારે એની બસ ભચાઉનાં બસ સ્ટેન્ડમાં ઊભી હતી.
એ બસમાંથી ઉતર્યો અને મોબાઈલ કાઢ્યો, જોયું તો સવારનાં સાડા છ વાગ્યા હતાં.
એને એક નંબર ડાયલ કર્યો અને નજીકમાં ઊભેલાં ચા વાળાને એક ચા નો ઓર્ડર આપ્યો.
એને આજુબાજુમાં જોયું તો ગઈ રાતે એની બાજુ માં બેસેલી છોકરી બસ-સ્ટેન્ડ પર ક્યાંય નહોતી દેખાતી. કદાચ વહેલી જતી રહી હશે.
ચા પીધી એટલામાં જ એક પોલીસની ગાડી આવી ને એની સામે ઊભી રહી. ગાડીમાંથી કોન્સ્ટેબલે બહાર નીકળીને સલામ ઠોકી.
“બહાદુર સિંહ, કેમ આટલી વાર લાગી? અગાઉથી કીધું તો હતું કે હું છ વાગતાં સુધી પહોંચી જઈશ.”
“સાહેબ, સૉરી. બહુ ભારે બનાવ બની ગયો હતો ગઈ રાતનો, એની ધમાલનાં કારણે તમને લેવામાં મોડો થઈ ગયો.”
“કેમ શું થયું!”
“મારા ઘરની બાજુમાં રહેતી છોકરીનાં લગન ચાલે છે. તો એ કાલે રાતે છોકરાનાં ત્યાં ગરબા જોવા જતી હતી અને તેનો એક્સિડન્ટ થઈ ગયો અને ત્યાંને ત્યાં જ એ... આખી રાત અમે બધાં પાડોશીઓ એ દોડ-ધામમાં હતા. અત્યારે નવ વાગ્યે એની અંતિમ-ક્રિયા રાખેલી છે, એ પતાવીને હું સ્ટેશને આવીશ તો ચાલશે ને!”
“હંમ. ઠીક છે, બાય ધ વે આ એક્સિડન્ટ કયા થયો હતો?”
“એ જ શિખરપુરથી ત્રીસેક કિલોમીટર દૂર.”
આ સાંભળીને ને વિકાસ નવાઈ પામે છે.
“હું રાતે એ તરફથી જ આવ્યો.”
“હા, સાહેબ. જુઓ આ ફોટો.” આટલું કહી ને બહાદુરસિંહ એનાં ફોનમાંથી એ છોકરી અને એક્સિડન્ટ લોકેશનનાં ફોટોસ બતાવે છે.
એ ફોટો જોઈને વિકાસનાં પગ નીચેથી જમીન ખસી જાય છે.
કારણકે એ ફોટો એ જ છોકરીનો હતો જે ગઈ કાલે રાતે બસમાં એની બાજુમાં બેસી હતી.



.jpeg)
Comments
Post a Comment