Jaadui Ghatana
જાદુઇ ઘટના
સુરજ ક્ષિતિજમાં આથમી ચૂક્યો હતો અને આકાશમાં
તારલાઓ એ ઝગમગાટ કરવાનું શરૂ કરી દીધું હતું. પશ્ચિમથી વાતો વાયરો દેવગીરીની ટેકરીને
પસાર કરતો, ત્યાંથી
થોડેક દૂર બંધાયેલા ટેન્ટ સુધી ઠંડક આપતો હતો. ભૌગોલિક આબોહવાનાં કારણે, કાળઝાળ પડતી ગરમીમાં પણ આ દેવગીરીની ટેકરીઓ પર વાતાવરણ ખુશનુમા રહેતું.
અહિયાનાં ઉબડ-ખાબડ રસ્તાઓનાં કારણે આ ટેકરીઓ
હજી સુધી એટલી બધી પ્રખ્યાત નહોતી બની. દૂર - દૂર સુધી કોઇ વસ્તી પણ નહોતી, કદાચ એટલે કોઈને ખાસ ખયાલ
નહીં હોય. ગમે તે કારણ ગણો પણ અહિયાંની કુદરતી સુંદરતા અને નિર્જનતાએ ત્રણ યુવાનોને
આકર્ષી લીધા હતાં.
વિદર્ભ, નમન અને કેવિન નામનાં ત્રણ નવયુવાનો આ દેવગીરીની
ટેકરી ઉપર ફરવા માટે આવી પહોંચ્યા હતાં. સાંજનું જમવાનું પતાવીને ત્રણેય જણા પોતપોતાના
ટેન્ટની બહાર ફોલ્ડિંગ આરામ ખુરશીઓ પર પગ લાંબા કરીને બેઠાં હતાં.
“યાર વિદર્ભ, તને આ જગ્યા વિષે ખબર કેમની
પડી?” કેવિને તારાઓનાં ઝૂમખાંની વચ્ચે ચમકતી ટેકરી જોતાં પૂછ્યું
“ઘણા સમય
પહેલાં અહિયાંથી દસેક માઈલ દૂર મારા દાદીનું નાનકડું ગામ હતું. એ મને ક્યારેક ક્યારેક
એમનાં ગામની વાત કરતાં એટલે ખબર.” વિદર્ભે કહ્યું
“તો કેમ, અત્યારે ત્યાં કોઈ ગામ નથી?” કેવિને પૂછ્યું
“ના! સરકારે એ ગામ ખાલી કરવી દીધું
હતું.” વિદર્ભે કહ્યું
“કેમ?” કેવિને પૂછ્યું
“ખબર નહીં!”
વિદર્ભ કૈંક છુપાવતો હોય એમ બોલ્યો
“એ બધી
વાત બરાબર, પણ
અહિયાં મોબાઈલનું નેટવર્ક પણ નથી આવતું યાર! એનું શું કરવું!” કયારનો શાંત બેઠેલો નમન
બોલ્યો
“હા યાર, સરકારે એક નેટવર્ક તો લગાવવું
જ જોઈતું હતું.” કેવિને પણ મોબાઈલ જોઈને કીધું
“મિત્રો, આપણે અહિયાં મોબાઈલ મચેડવા
થોડા આવ્યા છે! અહિયાં તો મોબાઈલ મૂકો.” વિદર્ભ બોલ્યો
વિદર્ભનાં
કહેવા પર બન્નેવ જણાએ મોબાઈલ મૂકી દીધો.
“સાચેમાં
આ જગ્યા સુંદર લાગે છે.” નમન બોલ્યો
“હવે સાંભળો, એક ખૂબ રહસ્યની વાત કહું
છું!” વિદર્ભ આરામ ખુરશી પર બેઠો થઈને બોલ્યો
‘રહસ્યની વાત’ શબ્દો સાંભળતા જ બન્નેવનાં કાન સરવા થઈ
ગયા.
“સાંભળો, આ ટેકરી જે તમને દેખાય છે
એ કોઈ સામાન્ય ટેકરી નથી. મે મારા દાદીનાં મોંએ સંભાળ્યું છે કે દેવગીરીની ટેકરીઓ ઉપર
કોઈ ચમત્કારિક શક્તિ વસે છે.” વિદર્ભે શરુઆત કરી
“નાં હોય!”
નમન બોલી ઉઠ્યો
“હા! આ
વાત સાચી છે.” વિદર્ભ બોલ્યો
“શું તું
પણ વિદર્ભ, કૈંક
તો સમજી વિચારીને પડિકા છોડ.” કેવિન હસતાં હસતાં બોલ્યો
“હું મજાક
નથી કરતો.” વિદર્ભનું મોં ગંભીર હતું
કેવિન ચૂપ
થઈ ગયો, ”સોરી!, હા તો આગળ બોલ” એને પણ વિદર્ભની વાતમાં ધ્યાન
આપવા માંડ્યુ
“વર્ષો
પહેલાં નજીકનાં ગામમાં જ્યારે કોઈ બીમાર પડતું, કે કોઈને મોટી સમસ્યાઓ હોતી ત્યારે આ દેવગીરીનાં
દેવ પાસે લાવતાં અને કહેવાય છે કે એ બધી સમસ્યાઓનું સમાધાન કરતાં.” વિદર્ભ બોલ્યો
“તો ટેકરી
પર કોઈ મંદિર જેવુ પણ હશે!” નમન બોલ્યો
“ના! ઉપર
કોઈ મંદિર નથી. કહેવાય છે કે કોઈ વૃક્ષ પાસે એ દેવ મળતા અને સમાધાન કરતાં. એ ટેકરી
પર એમનું રહેઠાણ ક્યાં છે, એ આજે પણ કોઈ નથી જાણતું. બિલકુલ રહસ્ય છે.”
“તો કોઇકે
તો એમને દેખ્યા હશે ને?” કેવિનને રસ પડ્યો
“હજી સુધી
હશે ખરા? આ જમાનામાં
પણ!” નમન બોલ્યો
“જે લોકો
એમને મળ્યા છે એ લોકો દાવો કરે છે કે એમને દેખ્યા છે પણ એમને યાદ નથી કે કેવા હતાં! એ જેમને ઈચ્છે એ જ એમને મળી
શકે એવું લોકો માનતા! જો એ દૈવીય હશે તો અહિયાં જ હશે ને! આપણે તો વિજ્ઞાનમાં માનનારા, આપણે સત્ય શોધવું જ જોઈએ.” વિદર્ભે કહ્યું
“તો હવે શું કરીશું!” કેવીને પૂછ્યું
“આપણે કાલે એ ટેકરીએ ચડીને તપાસ કરીશું, પણ હા એક
વાત ધ્યાન રાખવા જેવી છે. સરકારે આ જગ્યા પ્રતિબંધિત કરેલી છે.” વિદર્ભે કીધું
“શું? આપણે રિસ્ટરીકટેડ એરિઆમાં છીએ?’ નમન ઊછળી પડ્યો
“હા! પણ ચિંતાની કોઈ વાત નથી. એ ખાલી બોર્ડ મારીને જતાં રહ્યા
છે. વર્ષો સુધી કોઈ દેખાયું નથી.” વિદર્ભે કીધું
“તને કેમની ખબર?” નમન ચિંતાતુર
હતો
“હું બધી રિસર્ચ કરીને જ નીકળ્યો છું. તું સહેજે ચિંતા ના
કરીશ.” વિદર્ભ બોલ્યો
રાતનાં અગિયાર વાગ્યા હતાં. ત્રણેય જણા
સવારનાં થાક્યા હતાં એટલે આરામ કરવાનું નક્કી કર્યું.
અહિયાં જંગલી પશુઓનો પણ ભય હતો એટલે થોડેક દૂર લાકડાં ભેગા
કરી આગ લગાડી. તો પણ દરેકે થોડોક થોડોક ટાઈમ જાગવાનો નિર્ણય લીધો.
અગિયારથી બે વાગ્યા સુધી વિદર્ભ જાગ્યો.
એનો વારો પૂરો થયો એટલે નમનને જગાડયો અને પોતે ટેન્ટમાં સુવા
ગયો.
નમન હાથ-મોં ધોઈને આરામ-ખુરશી પર બેઠો.
પશ્ચિમથી વાતો પવન શિયાળા જેવી ઠંડક પ્રસારી રહ્યો હતો. ધીમે ધીમે
એ પવનનું જોર વધી રહ્યું હતું. ટેન્ટ પાસે લગાવેલી તાપણી પણ બુઝાઇ ગઈ હતી.
નમન ઇયરફોન નાંખીને ગીત સાંભળતો હતો અને એની નજર આકાશ તરફ
હતી.
એ અંધારી રાતમાં તારલાઓ ચળકાટ કરીને અનેરું દ્રશ્ય રચતાં
હતાં. સ્વર્ગ જેવી શીતળતા પથરાઈ ચૂકી હતી.
અચાનક જ આકાશમાં ફેરફાર થવા માંડ્યા.
ઘેરી જાંબલી રાતમાં લીલા અને કેસરી રંગનાં પટ્ટા ધીમે ધીમે
દ્રશ્યમાન થતાં હતાં.
એ આશ્ચર્ય પામી ગયો.
દેવગીરીની ટેકરીઓ પર ઑરોરા !
શું દ્રશ્ય હતું એ! એને મોબાઇલમાં કેમેરો ચાલુ કર્યો અને
વિડીયો રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું.
એ ઑરોરા ધીમે ધીમે એક ગોળાકાર સ્વરૂપમાં ટેકરીઓને ઘેરી રહી
હતી. આ ઘટના ખૂબ ઝડપથી આકાર પામી રહી હતી.
એને તરત જ જઈને વિદર્ભ અને કેવિનને જગાડ્યા.
ત્રણેય જણા બહાર આવીને જુએ છે તો આશ્ચર્ય પામી ગયાં. સાચેમાં
એ ઑરોરા એ ટેકરીઓને ઘેરી વળી હતી.
“આપણે ત્યાં જવું છે? જોઈએ તો
ખરા એ ટેકરીએથી કેવું દેખાય છે!” કેવિન બોલી ઉઠ્યો
“હું તો તૈયાર છું.” નમન બોલ્યો
“તો એક કામ કરીએ, કેવિન ફટાફટ
ગાડી કાઢ. હું અને નમન આ ટેન્ટ સંકેલી લઈએ.” વિદર્ભ બોલ્યો
“હા, ચલ!”
ફટાફટ ત્રણેય ટેન્ટ સંકેલાઇ ગયાં. ત્રણેવ જણાંએ ભેગા થઈને
ગાડીમાં મૂકી દીધા. કેવિનની ગાડી પણ ઉબડખાબડ રસ્તાઓ પર આરામથી દોડી શકે એવી હતી એટલે
વાંધો નહોતો. નમન વિડીયો રેકોર્ડ કરવા, ગાડીમાં પાછળ ટેન્ટનાં
સમાન સાથે ખુલ્લા ભાગમાં બેસી ગયો.
વિદર્ભ કેવિન પાસે બેસી ગયો અને ગાડી હંકારી મૂકી ટેકરીએ
તરફ.
ટેકરીએ વિચિત્ર ઘટનાઓ બની રહી હતી, ઑરોરા ધીમે
ધીમે એનો પરિઘ સંકેલી રહી હતી. એનું ગોળાકાર ધીમે ધીમે નાનું બની રહ્યું હતું.
ત્રણેય જણાં સાહસ ખેડવા આજે તૈયાર હતાં.
ગાડી ઊછળતી કૂદતી ટેકરી તરફ આગળ વધી રહી હતી અને એક જોરદાર
ધડાકો થયો.
એ શું હતું!
ટેકરીની ફરતે રહેલી ઑરોરા ધડાકા સાથે ભેગી થઈને એક મોટું
બિંદુ થઈ ગઈ હતી.
એક મોટી તીવ્ર સફેદ પ્રકાશની રેખા આકાશને ચિરતી એ બિંદુમાંથી
પસાર થઈને ટેકરીએ પ્રવેશ કરી રહી હતી.
એમની ગાડીએ હવે વધુ ઝડપ પકડવા માંડી હતી.
જેમજેમ ટેકરીની નજીક પહોંચવા માંડ્યા હતા તેમ તેમ તેમની ગાડી
ઘણી સરળતાથી સરકવા મંડતી હતી. એમની આસપાસ અજવાળું પણ વધવા માંડ્યુ હતું.
નમનનો વિડીયો પણ પહેલા કરતાં સ્ટેબલ આવવાં માંડ્યો હતો.
વિદર્ભને આશ્ચર્ય થયું, આટલા બધા
ખાડા હોવા છતાં ગાડી પાણીની માફક કેમની સરકી રહી હતી!
એને બારીની બહાર નીચે જોયું તો એમની ગાડી હવા સાથે વાતો કરી
રહી હતી!
જમીનથી એક ફૂટ અધ્ધર એમની ગાડી એ પ્રકાશ રેખા તરફ સરકી રહી
હતી.
“વિદર્ભ આમાં તો બ્રેક પણ નથી લાગતી.” કેવીને આશ્ચર્યથી કીધું
“ક્યાંથી લાગે! આ ગાડી હવામાં ઊડે છે!” વિદર્ભ બોલ્યો
“હેં!!” કેવિન ચકિત થઈ ગયો અને નીચે જોવા લાગ્યો
“ભાઈઓ, ખરેખર મજા આવી રહી છે, જુઓ હું
બધુ જ રેકોર્ડિંગ કરી રહ્યો છું.. વુ..હુ..” નમન ખૂબ ખુશ દેખાતો હતો.
એમને જિંદગીમાં
પહેલીવાર આવી હવાની સફર કરી હતી. એક બાજુ ખુશી હતી અને બીજી બાજુ ચિંતા, એમની ગાડી
એ પ્રકાશ સુધી પહોંચતા પહોંચતા હવામાં વધુ ને વધુ અધ્ધર ઊડી રહી હતી. એ લોકો જમીનથી
છ ફૂટ અધ્ધર ઊડી રહ્યા હતા. ગાડી પણ ધીમે ધીમે આગળથી ઊંચી થઈ રહી હતી. કેવિનને આ વાતનો
અહેસાસ થયો.
“ઑ વિદર્ભ, આ આમ ને આમ ઉડતા
રહીશું તો આપણે આ લાઇટમાં જ ખોવાઈ જઈશું!” કેવિન ગભરાયો
“તો આપણે શું કરી શકીએ!” વિદર્ભને પણ કઈ ખબર નહોતી પડી રહી
“આપણે અહિયાંથી નીચે ભૂસકો મારવો જ પડશે.” કેવીને કીધું
“લગભગ બાર ફૂટ ઊંચે છીએ આપણે..” નમન બોલ્યો
“જો આ આપણે નજીક પહોચવા આવી ગયા છે, ગમે તે થાય
આપણે કૂદકો મારવો જ પડશે નહિતો આપણે થોડાક સમય પછી જીવતા નહીં હોઈએ.” કેવીને દરવાજો
ખોલતા બોલ્યો
ત્રણેય જણાએ ઉતાવળમાં ગાડી પરથી કૂદકો મારી દીધો.
લગભગ પંદરેક ફૂટ ઊંચેથી નીચે પડ્યા બાદ એ લોકો બેભાન અવસ્થામાં
ટેકરી પર ગબડતા રહ્યાં.
***
બીજા દિવસે વિદર્ભની આંખો ખૂલી.
એની આસપાસ અજવાળું થઈ ચૂક્યું હતું. વરસાદની શરૂઆતનાં ધીમા
ધીમા છાંટા પડી રહ્યાં હતાં. આંખો ચોળતો ચોળતો ઊભો થયો તો એને જોયું કે એ ટેકરી પર
હતો. થોડેક દૂર કેવિન બેભાન અવસ્થામાં પડ્યો હતો. એને તરત જઈને કેવિનને ઉઠાડયો.
કેવિન હાંફળો-ફાંફળો બેઠો થયો.
“વિદર્ભ! આપણે અહિયાં!”
“હા! ખબર અહી કેમના બધા ખોવાઈ ગયા હતાં! મને કશું યાદ પણ નથી.
અને હજી નમન! નમન ક્યાં છે?” વિદર્ભે ઊભા થતાં કીધું
“આપણે પહેલા એને શોધવો જોઈએ.” કેવિને ફટાફટ ઊભા થઈને કીધું
“હા. એક કામ કર તું આ તરફ જો, હું સામેની
બાજુ જોવું છું. મળે એટલે બૂમ પાડજે.” એને કેવિનને ઊભો કર્યો
વિદર્ભ ટેકરીનાં છેડે છેડે શોધતો હતો અને અચાનક જ એને નમન
દેખાયો. નમન એક છેડા પરનાં ઝાડ પાસે પડેલો હતો.
એને જોરથી બૂમ પાડીને કેવિનને બોલાયો.
એ બાજુથી કેવિનની પણ બૂમ સંભળાઈ, કોણ જાણે
શું થયું હશે!
વિદર્ભ ફટાફટ નમન પાસે ગયો. એને થોડોક ખેંચીને ઝાડની છાયા
માંથી બહાર વરસતા ધીમા વરસાદ પાસે લઈ ગયો.
નમને આંખો ખોલી.
એ સફાળો બેઠો થઈ ગયો. એ ટેકરી પર હતો એનું આશ્ચર્ય હતું.
“વિદર્ભ! આપણે અહિયાં કેમના!” એ અવાચક થઈ ગયો, ”અને કેવિન!”
“કેવિન પણ ઠીક છે. એ તને શોધવા પેલી બાજુ ગયો હતો. નજીકમાં
જ છે એટલે વાંધો નહીં. તું તારે ઠીક છે ને?” વિદર્ભે
પૂછ્યું
“હા, જરાક માથું દુખે છે, પણ એ તો
ઉતરી જશે. વાંધો નહીં. ચલ આપણે કેવિન પાસે જઈએ.”
“એ આવતો જ હશે.” વિદર્ભે ફરી ઊભા થઈને કેવિનને જોર થી બૂમ
પાડી.
એટલેમાં તો એક ગાડીનો અવાજ આવ્યો.
સૌના આશ્ચર્ય વચ્ચે કેવિન પોતાની ગાડી લઈને આવ્યો હતો.
“આ ગાડી!” વિદર્ભે આશ્ચર્ય સાથે પૂછ્યું
“ખબર નહીં કેમની બચી ગઈ પણ પૂરેપુરી સલામત રીતે ટેકરીનાં
વચ્ચે પડી હતી. બધુ એમનું એમ ગોઠવાયેલું છે.” કેવિન ગાડીમાંથી નીચે ઉતરતા બોલ્યો
“પણ એવું કઈ રીતે બને? આપણે તો
ત્યાં ટેન્ટ આગળ..!” નમન આશ્ચર્ય સાથે માથું પકડાતાં બોલ્યો
“એ મને ખબર નથી પણ આપણે તાત્કાલિક ધોરણે આ જગ્યા ખાલી છોડવું
જોઈએ.” કેવિન બોલ્યો
“હા. ફટાફટ
નિકળીએ.. આમ પણ વરસાદ વધશે એમ લાગે છે.” વિદર્ભ બોલ્યો
“એક મિનિટ. મારો મોબાઈલ! મોબાઈલ ક્યાં છે?” નમન આજુબાજુ
જોતાં બોલ્યો
એના કપડાં ફેંદી વળ્યો પણ એની પાસે મોબાઈલ નહોતો. એ દોડતો
દોડતો ઝાડ પાસે ગયો, ત્યાં ફંફોસવા માંડ્યો. એને જોયું તો ઝાડને ટેકે જ એનો મોબાઈલ
પડેલો હતો બંધ અવસ્થામાં.
એને ફટાફટ મોબાઈલ લીધો અને ગોઠવાઈ ગયો આગળ ગાડીમાં.
ગાડી ચાલુ થઈ અને નીકળી ગયા ત્રણેય જણાં ઘર તરફ..
***
ગાડીમાં નમને મોબાઈલ ચાલુ કરવાનો ટ્રાય કર્યો પણ ના થયો.
એને પાવરબેંક સાથે મોબાઈલ કનેક્ટ કરી ચાર્જિંગમાં મૂક્યો.
ગઈ રાતની વાત કરતાં કરતાં જ તેમની અડધી સફર કપાઈ ગઈ.
ત્રણેવનાં મગજમાં ઘણાં સવાલો હતાં.
એમની સાથે અજીબ ઘટના ઘટી ગઈ હતી તોય કોઈને ખાસ યાદ નહોતું.
બધાનાં કપડાં અમુક અમુક જગ્યાએથી ફાટેલા હતાં. એમાં સૌથી
વધારે નમનનાં શર્ટ ઉપર કાણાં પડેલા જણાતા હતાં.
થોડોક મોબાઈલ ચાર્જ થતાં નમને મોબાઈલ ઓન કર્યો.
“આ શું જુએ છે?” બાજુમાં બેઠેલા
વિદર્ભે પૂછ્યું
“ખબર નહીં. જો ને કાલે હું તો ગીતો જ સાંભળતો હતો ખાસી એવી
મેમરી ખાલી હતી. પણ આજે મારી મેમરી ફૂલ બતાવે છે.” નમન આશ્ચર્ય સાથે બોલ્યો
“એમ!” કેવિને ડ્રાઈવ કરતાં કરતાં કીધું
નમને એનો મોબાઈલ ફેંદયો તો એક લાંબો વિડીયો મળ્યો. એને જોયું
તો એ ચોંકી ગયો.
“આ જુઓ!” નમન જોરથી બોલી ઉઠ્યો
કેવિને ગાડી રોકી અને વિડીયો જોયો.
વિડીયો ગઈ રાતનો હતો. એમાં પેલી ઑરોરા દેખાતી હતી. હવામાં ઊડતી
ગાડી અને પેલી સફેદ પ્રકાશની તીવ્ર રેખા પણ.
ગાડીમાંથી નીચે પડતી વખતે નમનને કેટલાક ટેન્ટનાં સળિયા ઘૂસી
ગયા હતાં. મોબાઈલ ગોળ ગોળ ફર્યા બાદ કશેક સ્થિર થયો હશે એવું વિડીયો પરથી લાગતું હતું.
ધ્યાનથી જોયું તો એ પ્રકાશ રેખામાંથી વિચિત્ર આકૃતિઓ બહાર નીકળતી નજરે પડતી હતી.
ત્રણેય જણાં આશ્ચર્ય-ચકિત થઈ
ગયાં.
“આ શું હશે?” નમન ચોંકી ગયો
“એલિયન્સ!” વિદર્ભ અને કેવિન એકી સાથે બોલી ઉઠ્યા



Jordar👌
ReplyDeleteThank you so much!!😊
Delete