Chintu Ni Madad - Story for Kids
ચિંતુની મદદ - બાળવાર્તા
આકાશમાં
વાદળ ગરજી રહ્યા હતાં. વરસાદને આવવાને તૈયારી જ હતી. નોકરી, કોલેજ અને
સ્કૂલોથી છૂટેલા લોકો પોતાના ઘરે જવા માટે ઉતાવળ કરી રહ્યા હતાં.
ગાંધીનગરનાં ચાર રસ્તા પાસે પણ આવો જ ટ્રાફિક ભરાયો હતો. આગળ રેલ્વે ફાટક બંધ હતો એટલે વાહનોની લાઇન ઘણી દૂર સુધી લંબાઈ હતી. પાછળથી અમુક લોકો પણ આગળ થોડી જગ્યા કરવા હોર્ન મારી રહ્યા હતાં.
આ બધી ભીડમાં
ચિંતન એની ગાડીમાં બેઠો બેઠો એના રમકડાં સાથે રમત રમતો હતો. એની મમ્મી ગાડીનું સ્ટિયરિંગ
પકડીને ફાટક ખુલવાની રાહ જોતી હતી. વરસાદનાં છાંટાથી ભીંજાતા કાચને સ્વાઇપર ચોખ્ખું
કરી રહ્યું હતું.
“બેટા, આજે ટિફિનમાં કશું બચાવ્યું તો નથી ને!” એની મમ્મીએ સ્નેહથી
પૂછ્યું
“મમ્મી! શું તું પણ! આવું તો શાક રોટલી કોણ ખાય? મારા બધા
ફ્રેંડ્સ તો મમરા, ચવાણું, ફ્રેંચ ફ્રાઇસ એવું બધુ લઈને આવે છે અને તું છે કે મને કઈ
સારું ખવડાવતી જ નથી. પ્લીસ કાલે મને મેગી બનાવી આપજે ને!” ચિંતન બોલ્યો
“જો બેટા, એ બધી વસ્તુઓ ક્યારેક
ખાવામાં સારી લાગે. પેટ એનાથી ના ભરાય.” એની મમ્મીએ સમજવ્યું
“તું દર વખત આવું જ કરે છે.” ચિંતન જરા રિસાતા બોલ્યો
એ લોકોની વાતો
ચાલતી હતી ત્યારે જ ત્યાં ફાટક પાસેથી એક ભિખારી જેવો માણસ જતો હતો. એના કપડાં લઘર-વઘર
હતાં. એનું શરીર જોઈને એવું લાગે કે કેટલાય દિવસોથી એને ખાધું નહીં હોય. એનું મોં સાવ
પડી ગયું હતું. ચિંતનની મમ્મીની નજર તે તરફ ગયું.
“ચિંતું!” ચિંતનને રમતમાંથી
ઢંઢોળ્યો, “જો બેટા. એક કામ કર. આ તારી રોટલી અને પેકેટમાંથી મમરા
કાઢીને પેલા ભિખારીને આપ. એને પૂછ કે આમાંથી શું જોઈએ છે?”
ચિંતને એ ભિખારીને બૂમ પાડી અને એને ગાડી પાસે બોલાવ્યો
“લે આ ખા...” ચિંતને મમ્મી આગળ હોશિયારી મારવા બારીમાંથી
પહેલા મમરા ધર્યા, પણ વરસાદમાં એ પલાળી ગયાં.
પેલો ભિખારી એ જોતો રહી ગયો, એને કઈ ખબર
ના પડી. એની નજર ક્યાંક બીજે હતી.
“એય! લે ખા..” ચિંતને ફરી ખોબો ભરીને મમરા આપ્યા પણ એ ભિખારી એ
ના લીધા.
“તું પેલી રોટલી આપ.” એની મમ્મીએ રોટલી આપવા કીધું
“ઓકે, લે આ રોટલી ખા.” એને રોટલી આપી
પેલા ભિખારીએ તરત એ રોટલી લઈ લીધી અને આગળ ચાલતો થયો.
“કમાલ છે. આ પલળેલી રોટલી લઈ લીધી પણ મસ્ત વઘારેલા મમરા ના લીધા.” ચિંતને
મોં બગાડતાં કહ્યું
એટલામાં
તો ફાટક ખૂલી ગયાં અને ગાડી આગળ ચાલવા મંડી.
“કશું ખબર
પડી!” એની મમ્મીએ ચિંતનને પૂછ્યું
“એમાં શું મમ્મી! એ ઘરડાં ભિખારીને શું ખબર પડે કે મમરામાં શું મજા છે?”
“એવું ના
હોય બેટા. એને ખબર હતી કે મમરાથી પેટ ના ભરાય એટલે જ તો એને રોટલી લઈ લીધી.”
“હા, મમ્મી પલળેલી હતી તો પણ!”
ચિંતને કીધું
“બેટા, જ્યારે ભૂખ લાગેને ત્યારે
તમને કઈ પણ ખાવાનું ચાલે. એના મોઢા પરથી જ ખબર પડતી હતી કે એ કેટલો ભૂખ્યો હશે! તને
ખબર છે, એની નજર એ રોટલી પર હતી એટલે મમરા ના લીધા. સમજ્યો વાત
ને!”
“પણ આવું
કેમ થતું હશે? આવા લોકો ભૂખ્યા કેમ રહેતા હશે?” ચિંતને પૂછ્યું
“તારા અને
મારા જેવા ઘણા ઓછા લોકો છે જે આવા લોકોની મદદ કરે! આપણે એમની મદદ કરવા માટે આપણે પણ
સક્ષમ રહેવું પડે. ખબર પડી!”
“આપણે એમની
મદદ કેવી રીતે કરી શકીએ?” ચિંતને પૂછ્યું
“તું આ
અધૂરું ખાવા ખાય છે તો કેટલું બધુ બાકી રહે છે! વિચાર આટલું ખાવાનું એમને મળ્યું હોત
તો! તારે પહેલા
તો પૂરેપુરું ખાવાનું ખાઈ લેવાનું, અને ભણી ગણી ને સારા કામો
કરવાના જેથી તમે આમની મદદ કરી શકો.”
“સારું
મમ્મી. આજથી જ હું સારી રીતે ભણીશ અને કદીય ખાવાનું નહીં બગાડું!” ચિંતન બોલ્યો
“ગુડ બોય!”


Comments
Post a Comment