BEDAAG

બેદાગ

 





“વસુધા, એ વસુ.. સાંભળ તો ખરી..” એની મમ્મી દાદરા ચઢતા ચઢતા હાંફી ગઈ હતી

“ના એટલે ના. મારે કોઈ છોકરો જોવો નથી.” એ સડ-સડાટ ઉપર ચઢી ગઈ હતી

“પણ દીકરા મારી વાત સાંભળ તો ખરી.” એની મમ્મી એ છેલ્લું પગથિયું પાર કર્યું

“શું?” એ કમર પર હાથ રાખીને ઊભી થઈ ગઈ

“જો, યથાર્થ સારો છોકરો છે. એક વાર એને મળ તો ખરી. પછી તું જે કહે તેમ. એક વાર જોવામાં શું વાંધો છે?”

“જો મમ્મી, હમણાં તું જોવાનું કહે છે, પછી તું ફરી એમ જ કહીશ કે પરણી જા..”

“નહીં કહું બસ. પણ તું એક વાર મળી તો લે. દર વખતે કઈ એવું થોડું..”

“જો..” એ કઈ આગળ બોલવા જાય તે પહેલા તો એના પપ્પા આવી ગયા, એ એના પપ્પાની બાજુમાં જઈ ને કહેવા લાગી ”પપ્પા તમે જ સમજાવો ને. મારે નથી મળવું એ છોકરા ને.”

“બેટા, એક વાર તું જો તો ખરી. આ એનો ફોટો બતાઉ” એના પપ્પાએ મોબાઈલ કાઢ્યો

“પપ્પા, તમે પણ! મારે નથી જોવો એને કે એના ફોટા ને.”

“વસુ, આમ સીધા નિર્ણય ના લઈ લેવાય. એ છોકરાને તો તું પહેલી નજરે જ ગમી ગઈ છે. અમને પણ એ છોકરો વ્યવસ્થિત લાગ્યો છે એટલે જ તો તારી વાત આગળ વધારી છે.” એના પપ્પા એને પ્રેમ થી સમજાવી

“સારું. પણ એના મળ્યા પછી નક્કી કરવાનું મારા હાથમાં. બરાબર?”

“સારું, તું કહે તેમ બસ. તારી મરજી વિના તો હું પણ શું કહેવાનો?” એના પપ્પા એ કહ્યું

“તો બસ, કાલે યથાર્થ અને એના ફેમિલી ને બોલાવી લઈએ.” એની મમ્મી બોલી

“કાલે જ? આટલી બધી તો શાની ઉતાવળ?” વસુ બોલી ઉઠી

“તો ઉતાવળ તો હોય જ ને, જેના ઘરે છવીસ વરસ ની કુંવારી છોકરી બેઠી હોય એને ઉતાવળ જ રાખવી પડે.”

“હું કઈ ઉંમર લાયક નથી થઈ ગઈ હો..”

“એ બધુ જવા દો. વસુનાં પપ્પા, તમે રમણિકભાઈ ને ફોન કરી કાલે મળવાનું નક્કી કરવી દો.”

“ભલે. તમે કહેતા હો તો કાલે બ્યુટી પાર્લર વાળા બહેનને પણ ઓર્ડર આપી દઉં?” એના પપ્પાએ મજાક કરી

“શું પપ્પા તમે પણ!”

“સારું, તું હવે જા અને મારા માટે સરસ ચા બનાવી લાવ” એના પપ્પા એ ઘડિયાળ તરફ જોતાં વસુધાને કહ્યું

“હા,” વસુધા ચા બનાવવા નીકળી ગઈ

“તમને લાગે છે, અહિયાં મેળ બેસી જશે? કે પછી..” એની મમ્મીએ ધીમે થી કહ્યું

“લાગે તો છે. જોઈએ. મેં રમણિકભાઈ ને વાત તો જણાવી દીધી જ છે, અને એમને પણ કોઈ વાંધો નથી. હવે યથાર્થ ને પણ એ બાબત નો વાંધો ના હોય તો સારું.”

 

*** 

(બીજા દિવસે)

વસુધાનાં ઘરે યથાર્થ અને એનું ફેમિલી આવ્યા હતાં.

બંને કુટુંબો હળવા હાસ્ય સાથે વાત-ચિત કરી રહ્યા હતાં.

યથાર્થની આંખો જેને શોધી રહી હતી એ હજી એને દેખાઈ નહોતી.

“બેટા યથાર્થ, શું ભણ્યા છો તમે?” વસુની મોટી ફોઇએ સવાલ કર્યો

“એમ.બી.એ કર્યું છે.” યથાર્થ બોલ્યો

“ઓહો! સરસ અમારો નાનકો પણ ડિગ્રીનાં છેલ્લા વરસમાં છે. એને પણ આગળ માસ્ટર્સ કરવું છે. બોલે છે કે મારે એમ.બી.એ. કરવું છે. હવે એમ. બી. એ. કરવું જ હોય તો સારું ભણવું પડે ને! તો જ કોઈ સારી જગ્યાએ એડમિશન મળે બાકી તો પૈસાનું પાણી.”

“દીદી, યથાર્થ આઈ.આઈ.એમ. માંથી ગ્રેજ્યુએટ થયેલ છે.” વસુધાનાં પપ્પા એ કહ્યું

મોટા ફોઇ તો આઈ.આઈ.એમ. નામ સાંભળીને જ છક થઈ ગયા.

“ઘણું સારું કહેવાય હો બેટા.”

આવી ઔપચારિક વાતો ચાલતી હતી ને વસુધા પાણી લઈને આવી.

“લો આવી ગઈ વસુધા.” વસુધાનાં પપ્પા બોલી ઉઠયા.

વસુધાએ પીળા કલરની ડિઝાઇનર સાડી પહેરી હતી પણ એને માથે ઘુંઘટ નહોતો નાખ્યો.

આ જોઈને એની મોટી ફોઇ કચવાઈ.

“આ છે અમારી દીકરી વસુધા.” એના પપ્પાએ ઓળખાણ કરાવી,”અને વસુધા આ છે યથાર્થ.”

“હાઇ!” વસુધા યથાર્થ સામે જોઈ બોલી

શ્વેત-વર્ણ અને ભરાવદાર ચહેરાની સમ્રાજ્ઞી વસુધાનું એકમાત્ર સ્મિત જ યથાર્થને મંત્રમુગ્ધ કરવા કાફી હતું.

“હેલો!” યથાર્થ સ્મિત આપતા બોલ્યો

આના પછીનો ઓળખાણનો મોરચો રમણિકભાઈ એ સંભાળ્યો. એક પછી એક જણાની ઓળખાણ કરાવતા અડધો કલાક જેવો સમય વીતી ગયો.

“મને લાગે છે કે આપણે તો ઘણી વાતો કરી, પણ હવે યથાર્થ અને વસુધાને પણ એક બીજા સાથે વારો કરવાનો મૌકો આપવો જોઈએ.” યથાર્થની મોટી બેન બોલી

“હા, વસુ યથાર્થ ને આપણું ઘર બતાવી આવ.” એના પપ્પાએ કહ્યું

“જી, આવો.”

યથાર્થ અને વસુધા દાદરો ચઢી ઉપર ગયા.

વસુધા હજી અવઢવમાં હતી કે શું વાત કરવી. એના મગજમાં તો કઈં કેટલાય વિચારો ચાલતા હતા.

“આ તારો રૂમ છે?” યથાર્થ બોલ્યો અને વસુધાની વિચારધારાઓમાં ભંગ પડ્યો

“હા, આવો.”

“તું મને આવ પણ કહી શકે છે. તમે – આવો, જેવા શબ્દો નહીં વાપરે તો પણ ચાલશે.” યથાર્થે વિવેકથી કહ્યું

એના જવાબમાં વસુધાએ આછું સ્મિત આપ્યું

“આ છે મારો રૂમ” અને એના થી બહાર એક દરવાજો ખોલીને બોલી,” આ મારી બાલ્કની. મારી સંગાથી. હું દરરોજ ઓછામાં ઓછો કલાક અહી બેસું જ.”

“અહા!”

“આ મારી બૂક સ્ટોર. હું દર વર્ષે ચાર પુસ્તક ખરીદુ છું”

“વાહ. મને પણ બુક્સનો શોખ છે. બાય ધ વે, તને કેવી બુક્સ વાંચવાની ગમે?”

“રોમૅંટિક, હોરોર, સસ્પેન્સ. અને તને?” વસુધાએ બેહીચક એને 'તને' કહી સંબોધી નાંખ્યો

“મને હોરર વાંચવાની વધારે ગમે. બે દિવસ પહેલા જ મેં કિન્ડલ ઉપર “બંદના ટૉકીઝ” કરીને બૂક વાંચી હતી.”

“ઋષિત સોની એ લખેલી છે એ જ બંદના ટૉકીઝ?” વસુધાએ પૂછ્યું

“હા એ જ, તે પણ વાંચેલી છે?”

“હા. મને મારી ફ્રેન્ડે સજેસ્ટ કરી હતી, અને ખરેખર એ વાર્તા પૈસા વસૂલ નીકળી. અદ્ધભૂત વાર્તા લખી છે હો પણ..”

“હા.”

એમની વાતો ચાલતી હતીને એટલામાં વસુધાની ફોઇની નાની છોકરી આવી.

“વસુ દીદી, ચા લાઉં કે કૉફી?

“બોલો, શું લેશો? ચા કે કૉફી?” યથાર્થ સામે જોઈ વસુ બોલી

“આમ તો હું ચા પીઉ છું, પણ આજે કૈંક અલગ – કૉફી.” યથાર્થ બોલ્યો

“પ્રિયા, ચલ હું પણ તારી સાથે આવું, તને કૉફી લાવતા કેવી રીતે ફાવશે?” વસુધા ઊભી થઈ

“તમે બેસો, હું લઈ ને આવું.” પ્રિયા આટલું બોલીને સડ-સડાટ દાદરા ઉતરી ગઈ

“આ પ્રિયા, મારા મોટા ફોઇની નાની છોકરી.”

“બરાબર. તને વાંધો ના હોય તો આપણે બાલ્કનીમાં બેસીએ? વાતાવરણ પણ ઘેરાયું છે અને થોડી વારમાં વરસાદ પડશે. ત્યાં બેસવામાં મજા આવશે.” યથાર્થ બાલ્કનીમાં જોતાં બોલ્યો

વસુધાને અંદરથી આનંદ થયો કે એના અને યથાર્થનાં વિચારો થોડા ઘણા અંશે મેળ ખાતા હતા. એને પણ આવા સમયમાં બાલ્કની પાસે બેસી રહેવું ઘણું ગમતું.

“હું, બે ખુરસી મૂકી દઉં.”

“બે નહીં એક. મારી ખુરસી હું જાતે મુકીશ.” યથાર્થ ઊભો થતાં બોલ્યો

વસુધા વિચારમાં પડી ગઈ, આ ખરેખર આટલો સારો છે કે પછી ડોળ કરે છે!

બંનેવ જણાએ પોતાની ખુરસીઓ લઈ બાલ્કનીમાં મૂકી અને યથાર્થ ખુરસી ઉપર ગોઠવાયો.

વાદળોનાં ગડગડાટ સાથે વરસાદનું આગમન થયું.

“તને ખબર છે, મને પહેલે થી જ વરસાદ જોવાનો શોખ છે, અને એમાંય આ તો પહેલો વરસાદ.”





“ખબર છે.” યથાર્થ ધીમેથી બોલ્યો પણ વસુધાનું ધ્યાન બાલ્કનીની બહાર ઝરમર ઝરમર પડતાં વરસાદમાં હતું.

“વરસાદની વાત જ અલગ હોય છે.”

“હા.”

વસુધાએ બાલ્કનીની બહાર મોઢું કર્યું અને વરસાદનાં છાંટાનાં રંગે રંગાઈ ગઈ. એને એના ખુલ્લા વાળ ડાબા કાનની પાછળ લઈ જમણા ખભે નાંખ્યા. એને ડાબા કાનમાં પહેરેલ ઝૂમકા એકદમ સ્લો-મોશનમાં ઝૂલતા હતાં. એનું સ્મિત પણ એની માફક નિર્દોષ હતું.





યથાર્થ તો બસ એને જ જોતો રહી ગયો.

“દીદી. તમારી કૉફી.”

“હા..”

પ્રિયા કૉફી મૂકી જતી રહી

વસુધાએ એક કપ યથાર્થને આપ્યો

“થેંક્સ” યથાર્થ પોતાનો કપ લેતા બોલ્યો

વસુધા એની સામેની ખુરસીમાં બેસી. હજી પણ યથાર્થની નજર વસુધાની ચમકતી આંખો થી દૂર ગઈ નહોતી.





“કઈ પૂછવું છે તમારે, આઈ મીન - તારે?” વસુધા કૉફીનો સીપ લેતા બોલી

“તને ખબર છે, આજ થી છ-સાત વર્ષ પહેલા પણ તું આમ જ, આવી જ હતી. બેફિકર અને બિન્દાસ્ત!” યથાર્થ બોલ્યો

વસુધા અચંબિત થઈ ગઈ

“વૉટ? તમને – આઈ મીન તને કેવી રીતે ખબર?”

“તને ખબર છે, અગિયારમાં ધોરણમાં મોરબીની પ્રાથમિક શાળામાં તું જ્યારે ભૂરા ડ્રેસમાં, બે ચોટલાનાં બદલે એક ચોટલી વાળીને આવતી ત્યારે પણ તું આટલી જ સુંદર લાગતી.”

“પણ આ તને કેવી રીતે ખબર?”

“એ સમયે ખબર છે - આખી સ્કૂલ તારી આગળ પાછળ ફરતી હતી! વસુધા એટલે વસુધા! કોઈ પણ કાર્યક્રમ હોય કે પછી કોઈ સ્પીચ આપવાની હોય, હંમેશા તું આગળ જ રહેતી. તારા સ્કૂલમાં પગ મુક્ત જ બધા છોકરાઓ પોતાના વાળ સરખા કરી લેતા, કે કદાચ તું એમને જુએ અને એ ખરાબ દેખાય. ક્લાસનાં અમુક છોકરાઓ તો તારી સાથે વાત કરવા રીતસરની પડાપડી કરતાં પણ તું કોઈને ભાવ નહોતી આપતી.”

“પણ..”

“અને તને ખબર છે એક છેલ્લી બેન્ચ પર બેસતો છોકરો જે ક્યારે આવતો અને ક્યારે જતો રહેતો કોઈને ખબર પણ ના પડતી! એકવાર આખા ક્લાસની વચ્ચે ઇંગ્લિશમાં સ્પીચ આપવા કહ્યું હતું અને એના પર બધા હસી ઉડાવતા હતા. યાદ છે?”

વસુધાએ જોર કરી વિચારી જોયું, પણ યાદ ના આવ્યું.

“સારું, તને યાદ છે એક વાર ધારાંશ અને એક છોકરા વચ્ચે મારામારી થઈ ગઈ હતી? અને એ છોકરાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો પડેલો!”

આકાશમાં વીજળી ઝબકી અને ગડગડાટ થયો. ધારાંશનું નામ સાંભળીને વસુધાને માથે પરસેવો વળી ગયો.

“એ છોકરો હું જ – યથાર્થ જોશી.”

વસુધા ચમકી.

“તો તને ખબર છે, ધારાંશ અને મારા વિષે?”

“હા, અને મને એ પણ ખબર છે કે તારા ગળામાં થયેલ દાગનાં કારણે એને તારી સાથે સંપર્ક ઓછો કરી દીધો હતો.”

“તો તને આ પણ ખબર છે?” વસુધાએ એના જમણા ગળા પાસેનાં વાળ સરખા કરતાં કહ્યું

“હા, તારા ગળા પર થયેલા સફેદ દાગ વિષે પણ મને ખબર છે અને ધારાંશ સાથેનાં તારા પ્રકરણ વિષે પણ.”

“યથાર્થ, તને હું તારા માટે યોગ્ય ના લાગુ તો પણ માન્ય છે. એમાં તારો પણ કોઈ વાંક નહીં હોય, દોષ તો મારો છે અને મારા ભૂતકાળનો છે. જેની સાથે મેં જીવન જીવવાનાં સપના જોયા હતાં એને મને મારા માત્ર એક રોગનાં કારણે છોડી દીધી. મને એમ હતું કે બધા મારા પર મોહિત છે, પણ દરેકની નજરમાં હું એક અછૂત જેવી બની ગઈ હતી. કોઈ મારી સાથે બેસીને વાત કરતાં પણ ડરતુ હતું. જ્યાં સુધી કોઢ નહોતો ત્યાં સુધી મને અપ્સરા સમજનારા લોકો હવે મારી સામે તિરસ્કારની નજરે જુવે છે. ફોટો જોઈને બે છોકરાઓની ફેમિલી વાળા જોઈને  ગયા પણ રૂબરૂ મારા દાગને જોઈને ના પાડી દીધી. ખાલી મને જ ખબર છે કે આ છેલ્લા ચાર વરસ દાગ સાથે કેવી રીતે કાઢ્યા છે. ” વસુધા રડમસ થઈ ગઈ

“મને ખબર છે, પણ મને તારા દાગ થી કોઈ વાંધો નથી. આખરે ચાંદ પણ ક્યાં બેદાગ છે?”

“પણ તારા ફેમિલી ને વાંધો હશે તો?”

“વસુધા, તારા પપ્પાએ પહેલા જ બધુ જણાવી દીધું હતું અને મને કે મારી ફેમિલીને કોઈ વાંધો નથી.”

“પણ સમય જતાં દાગ વધશે તો? તું પણ..” એને નિઃસાસો નાંખતા કહયું

“તું જેમ છે, જેવી હશે તેવી ગમશે. આજે પણ અને હંમેશા સુધી..” યથાર્થે વસુધાનાં હાથ પર હાથ મૂકી કહ્યું

“બોલ, બીજું કઈ હજી પૂછવું છે?” યથાર્થ બોલ્યો

“તો તને મારા ભૂતકાળથી પણ કોઈ વાંધો નથી?”

“મને તો વર્તમાનમાં રસ છે. ભૂતકાળમાં નહીં? તને રસ છે મારામાં?” યથાર્થ કૉફીનો છેલ્લો ઘૂંટ મારી બોલ્યો

વસુધા વિચારમાં પડી ગઈ. એને તો આવી કદી કલ્પના પણ નહોતી કરી, કે એક દિવસ એની જિંદગીમાં આવું બનશે.

“વિચારી જોજે. હું તારા યોગ્ય હોઉ, તો જણાવજે, અને હજુ પણ તારે ઓળખવો હોય તો પણ આપણે મળી શકીએ છે.” યથાર્થ આટલું કહી ઊભો થયો

વસુધા પણ ઊભી થઈ અને બંને જણ નીચે ગયા.

“આવો, યથાર્થ.” વસુનાં પપ્પાએ સોફા પર બેસવા વિવેક કર્યો

“કેવું રહ્યું, ભાઈ?” યથાર્થની બહેને પૂછ્યું

“મારી તો હા છે, હવે વસુધા કહે તેમ આગળ વધીશું.” યથાર્થએ સ્મિત સાથે બધાને કહ્યું

આ સાંભળી વસુધાની મોટી ફોઇ સાથે એના મમ્મી પપ્પા પણ મલકાઈ ગયા.

હવે વારો વસુધાનો હતો.

“સારું તો અમે હવે નીકળીએ, ગાઢ અંધારું થાય તે પહેલા ઘરે પહોંચીએ. વસુ બેટા, તમારી જેવી ઈચ્છા હોય તે જણાવજો. આભાર.” રમણિકભાઈ એ વિદાય લેતા કહ્યું

“ચોક્કસ.” વસુધા બસ આટલું જ બોલી શકી.

 

*** 


“વસુ, તે સરખો ઘુંઘટ કેમ નહોતો નાંખ્યો? એમને જોતાં જ ખબર પડી જતી કે તને સફેદ દાગ છે તો?” એના મોટા ફોઇએ એને થોડા ગુસ્સા સાથે પૂછ્યું

“મને યથાર્થે દાગ સાથે જ પસંદ કરી છે.” વસુધાનાં આટલા જવાબે જ એના ફોઇની બોલતી બંધ કરી દીધી.

“તો બેટા, હવે તારો શું નિર્ણય છે?”

“પપ્પા, મને યથાર્થ પસંદ છે.”



Comments

Post a Comment

Popular Posts